ગુજરાત
News of Wednesday, 24th January 2018

બાળકને ખિલખિલાટ રાખવા આ મંદિરે ચડાવાય છે 'મીઠી સોપારી'

બાળકના સ્વાસ્થ્ય માટે લોકો માને છે માનતા

અમદાવાદ તા. ૨૪ : ધોળકા હાઈવે પર આવેલા મીરોલી તથા નવાપુરા ગામની વચ્ચે એક નાનકડી દેરી છે. પહેલી નજરે આ દેરી જોઈ તમે આશ્ચર્ય પામી જશો કારણ કે, આ ડેરી કોઈ દેવી-દેવતાની નહીં પરંતુ એક નાનકડા બાળકની છે જે આશરે ત્રણ વર્ષ પહેલા આ જ રોડ પર એક અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો. બીજી આશ્યર્ય ઉપજાવનારી વાત એ છે કે, આ દેરી પર ચુંદડીઓ નહીં પરંતુ મીઠી સોપારી ચડાવવામાં આવે છે!

માનવામાં આવે છે કે, નાના બાળક જયારે વધારે કકળાટ કરે એટલે કે, કજિયો કરે, આખો દિવસ રડતું રહે અથવા કોઈ અસાધ્ય બીમારીથી પીડાતું હોય તો તેનું દુઃખ દૂર કરવા અહીં માનતા માનવામાં આવે છે અને તે બાળકની પીડા દૂર થાય છે. આજુબાજુના ગામના લોકોને આ મંદિર પર અતૂટ શ્રદ્ઘા છે અને તેઓ જયારે પણ પોતાના બાળકને કોઈ પીડા હોય ત્યારે અહીં માથું નમાવવા લઈને આવે છે.

દેવી-દેવતાઓના મંદિર પર જે રીતે સુખડી, સાકરિયા કે અન્ય પ્રસાદ ચડાવવામાં આવે છે એ રીતે માનતા પૂરી થયા બાદ આ બાળકને મીઠી સોપારીની ભેટ ચડાવવામાં આવે છે. આવું એટલા માટે કરવામાં આવે છે કે, કારણ કે, આ જે બાળકની દેરી છે તેને મીઠી સોપારી સૌથી વધુ પ્રિય હતી.

આ ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે, જયારે તમે આ રોડ પરથી પસાર થાવ અને તમારી પાસે નાનું બાળક હોય તો આ દેરી પર તેનું માથું નમાવી ભેટ રૂપે મીઠી સોપારી જરૂર ચડાવવી.

માન્યતા છે કે, જો તમે આવું નહીં કરો તો એ તમારું બાળક ઘરે આવીને તોફાન કરશે, કજિયો કરશે અને તે જુદી-જુદી તકલીફોની ફરિયાદો કરતું રહેશે. જો તમે કયારેક આ રસ્તેથી જતા હોવ અને તમારી પાસે નાનું બાળક હોય તો અહીં મીઠી સોપારી ચડાવવાનું ન ભૂલતા.

(10:07 am IST)