ગુજરાત
News of Sunday, 23rd January 2022

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા સ્વામિનારાયણ મંદિર ધોલેરા ખાતે કર્તવ્યબોધ કાર્યક્રમ યોજાયો

સ્વામી વિવેકાનંદ અને સુભાષચંદ્ર બોઝના જીવન પ્રસંગોની સાથો સાથ શૈક્ષિક મહાસંઘની રાષ્ટ્ ભાવના અને સામાજિક પ્રવૃતિઓની ચર્ચા કરવામાં આવી

( વંદના નીલકંઠ વાસુકીયા,) વિરમગામ : અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ પ્રેરિત અને પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ધોલેરા આયોજિત સ્વામી વિવેકાનંદ અને સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતી પ્રસંગે કર્તવ્યબોધ‌કાર્યક્રમ સ્વામિનારાયણ મંદિર ધોલેરા ખાતે યોજાયો હતો.આ કાર્યક્રમમાં  શૈક્ષિક મહાસંઘ ગુજરાતના સંગઠન મંત્રી ઘનશ્યામભાઇ પટેલ તથા ડો. રઘુવીરસિંહ ચુડાસમા વક્તા તરીકે  ઉપસ્થિત રહ્યા હતા. કર્તવ્યબોધ કાર્યક્રમમાં  ધોલેરા પંથકના શિક્ષણવિદ અને કેળવણીકાર સાગરભાઈ સોલંકી,પદ્યુમનસિંહ ચુડાસમા સાહેબ, સુભાષભાઈ ગોહેલ તેમજ તાલુકામાંથી મોટી સંખ્યામાં શિક્ષક ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કર્તવ્યબોધ કાર્યક્રમમાં સ્વામી વિવેકાનંદ અને સુભાષચંદ્ર બોઝના જીવન પ્રસંગોની સાથો સાથ શૈક્ષિક મહાસંઘની રાષ્ટ્ ભાવના અને સામાજિક પ્રવૃતિઓની ચર્ચા કરી અને આગામી સમયમાં તાલુકામાંથી 51 દીકરી દત્તક લેવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. સામાજિક અને રાષ્ટ્ભાવનાની પ્રવૃત્તિ થકી સંગઠનનો વિસ્તાર કરવાનું આહવાન સંગઠનમંત્રી ઘનશ્યામભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. સતત શિક્ષકોને હૂંફ પુરી પાડતા શિક્ષણવીદ અને કેળવણીકાર  સાગરભાઈ સોલંકી દ્વારા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સમગ્ર તાલુકાના શિક્ષકો માટે ભોજન વ્યવસ્થાના ભાગરૂપે રૂપિયા 11000( અંકે રૂપિયા અગિયાર હજાર ) રૂપિયા ભોજન શુલ્ક તરીકે આપીને ભામાશા વૃત્તિ દાખવી હતી.

 આ ઉપરાંત શૈક્ષિક મહાસંઘના રચનાત્મક કાર્યોથી પ્રેરાઈને ધોલેરા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વમંત્રી સોમાભાઈ ચૌહાણ શિક્ષક સંઘના સક્રિય સભ્ય હસમુખભાઈ પરમાર પ્રાથમિક શિક્ષક સંઘમાંથી સભ્ય પદેથી રાજીનામુ આપીને આ શૈક્ષિક મહાસંઘમાં જોડાયા હતા.બંને સારસ્વત બંધુઓ સાથે તાલુકાના ઘણાં શિક્ષક મિત્રો આજરોજ શૈક્ષિક મહાસંઘ ધોલેરામાં સભ્ય પદ પ્રાપ્ત કર્યું હતું.જેને સમગ્ર ધોલેરાની શૈક્ષિક મહાસંઘની ટીમે ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. સૌ સારસ્વત બંધુઓ અને ભગીનીઓ કાર્યક્રમના અંતમાં ભોજન લઈ છુટા પડ્યા હતા.( તસવીર : પરેશ હપાણી - ધોલેરા )

(5:19 pm IST)