5 સુરતમાં મહિલાની છેડતી કરનાર નરાધમને લોકોએ મેથીપાક ચખાડ્યો
સુરત: શહેરના સિટીલાઇટ વિસ્તારમાં મોહનદીપ સોસાયટી પાસે એક્ટિવા ઉપર આવતી મહિલાની બાઇક ઉપર જતા યુવકે છેડતી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહિલાની છેડતી કરતી સમગ્ર ઘટના સ્થળ નજીક લગાવેલા CCTV કેમેરામાં કેદ થઇ ગઈ હતી. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થઇ ગયો છે. વીડિયોમાં દેખાય છે તે પ્રમાણે એક મહિલા એક્ટિવા લઇને રસ્તા પરથી પસાર થઇ રહી છે. ત્યારે સામેની તરફથી બાઇક ઉપર એક યુવક આવી રહ્યો છે. જ્યારે મહિલા નજીક આવી ત્યારે અચાનક યુવકે મહિલાની છાતી પર હાથ નાખ્યો હતો. આ ઘટનાથી મહિલા હેબતાઇ ગઈ હતી. મહિલાની છેડતી કરનાર શખ્સને પકડી સ્થાનિક લોકોએ મેથીપાક પણ ચખાડ્યો હતો. મહિલાની છેડતી થયા બાદ પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરવામાં આવ્યો હતો. જેના પગલે ખટોદરા પોલીસે યુવકને ઝડપી પાડી પોલીસ સ્ટેશનમાં લાવી હતી. જોકે, રવિવારે બનેલી આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.