ગુજરાત
News of Sunday, 22nd November 2020

સુરત સિવિલના મૃતક કોરોના વોરિયર્સના પરિવારને કેન્દ્ર અને રાજ્ય સરકારની સહાયનો 50 લાખનો ચેક અપાયો

કોરોના વોરિયર્સ સુનિલ નિમાવતના પરિવારને સાંસદ સી,આર,પાટિલના હસ્તે ચેક અપાયો

સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરમાં મેઈલ નર્સ તરીકે ફરજ બજાવતા મૃત્યુ પામેલા કોરોના વોરિયર્સ સુનિલ નિમાવતના પરિવારને કેન્દ્ર અને રાજ્ય સરકારની આર્થિક સહાયનો 50 લાખનો ચેક ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સીઆર પાટીલના હસ્તે આપ્યો હતો

   આ અંગે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, સુનિલભાઈ નિમાવત મૂળ હળવદ સુરેન્દ્રનગરના વતની હતા. સુનિલભાઈએ 2000-2001માં રાપર કચ્છ-ભુજથી નર્સિંગ સ્ટાફ તરીકેની કામગીરી શરૂ કરી હતી. ત્યારબાદ પોરબંદર, હળવદ, ખરવાસા બાદ સુરત સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી હતી. સુનિલભાઈ નર્સિંગ સ્ટાફની જવાબદારી નિષ્ઠાપૂર્વક બજાવતા હતા. કોરોનાની માહામારી દરમિયાન આખા ગુજરાતની સરકારી હોસ્પિટલ અને CHC-PHCમાં સેનિટાઈઝર વહેંચણી કરી અનોખી સેવા ના નામે પોતાની ઓળખ ઉભી કરી હતી

તેમની પત્ની જાગૃતિ નિમાવતે જણાવ્યું હતું કે તેમના પતિ સતત કોરોનાના દર્દીઓની સેવા કરી રહ્યા હતાં, ઘરે પણ આવતાં ત્યારે લોકોની મદદની જ વાત કરતાં હતાં, તેમનું સપનું હતું કે અમારા બન્ને બાળકો મેડિકલ ક્ષેત્રમાં જ આગળ વધે, તેથી મારી દીકરી એમબીબીએસનો અભ્યાસ કરે છે અનવ હવે દીકરો પણ એમબીબીએસ કરશે. સરકારનો આભાર માનું છું કે તેમને અમને સહાય કરી.

સુનિલભાઈએ 19 વર્ષમાં કોઈ પણ ઇમરજન્સી સેવામાં ખડેપગે કામગીરી કરી હતી. કોરોનાની શરૂઆતથી જ સુનિલભાઈએ ત્રણ રાઉન્ડમાં નોકરી કરી, કોરોના દર્દીઓને સેવા આપી તેમની સારવાર કરી જીવ બચાવ્યા હતાં. તેમને કોરોના થયો હતો, ત્યાર બાદ 35થી વધુ દિવસ સુધી તેમની સારવાર ચાલી હતી, જોકે અંતે તેમને જીવ ગુમાવ્યો હતો

(9:56 pm IST)