ગુજરાત
News of Sunday, 22nd November 2020

ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા લોકોને ઝડપી આરોગ્ય સેવા અને ફોલોઅપ ઘર આંગણે મળે તે અત્યંત સંતોષજનક: અન્ય રાજ્યો માટે અનુકરણરૂપ

CM ડેશબોર્ડ દ્વારા રિયલ ટાઇમ મોનિટરિંગ પદ્ધતિથી પ્રભાવિત થતી કેન્દ્રિય ટીમ : ડેશબોર્ડના માધ્યમથી સંવાદ કરીને અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ હોસ્પિટલોમાં તબીબો- આરોગ્યકર્મી સારવારગ્રસ્ત વ્યક્તિઓ પાસેથી માહિતી મેળવી સંતોષ દર્શાવ્યો :ગુજરાતમાં કોરોના સંક્રમણ નિયંત્રણ સારવાર માર્ગદર્શન માટે આવેલી કેન્દ્રિય ટીમની મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે બેઠક :નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિ

અમદાવાદ : ગુજરાતમા કોરોના સંક્રમણ નિયંત્રણ, સારવાર, માર્ગદર્શન અને ટ્રીટમેન્ટ પ્રોટોકોલના સર્વેલન્સ માટે આવેલી કેન્દ્રીય ટીમના ત્રણ સભ્યોએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાથે ગાંધીનગરમાં વિસ્તૃત બેઠક યોજી હતી.
નવી દિલ્હીની નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના ડાયરેક્ટર ડૉ. એસ. કે. સિંઘના નેતૃત્વમાં આ ટીમમાં એડિશનલ ડાયરેક્ટર ડૉ. સુધીરકુમાર જૈન અને રામમનોહર લોહિયા હોસ્પિટલના પલ્મોનોલોજિસ્ટ ડૉ. રજનીશ કૌશિકનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથેની આ ટીમની બેઠક પૂર્વે ટીમના સભ્યોએ અમદાવાદ, વડોદરા અને મહેસાણાની મુલાકાત લઈને ત્યાં આપવામાં આવતી સારવાર, સર્વેલન્સ, સંક્રમણ નિયંત્રણના આરોગ્યલક્ષી ઉપાયોની સર્વગ્રાહી તલસ્પર્શી વિગતો મેળવી હતી.
કેન્દ્રીય ટીમે ગુજરાતમાં ધન્વંતરી આરોગ્યરથનો જે પ્રયોગ અત્યંત સફળ રહ્યો છે, તેનાથી સંતોષ દર્શાવી,અન્ય રાજ્યોમાં પણ આ ધન્વંતરી રથ મોડલ અપનાવી શકાય તેમ મુખ્યમંત્રી સાથેની ચર્ચામાં જણાવ્યું હતું. તેમણે ખાસ કરીને ગુજરાતમાં હોમ આઇસોલેશન, એરિયા સ્પેસિફિક સર્વેલન્સ અને પદ્ધતિસરના મોનિટરિંગની પણ પ્રશંસા કરી હતી.
હાઉસ ટુ હાઉસ સર્વેને ધન્વંતરી રથ સાથે લિંક કરીને, સમન્વય કરીને ખાસ કરીને હાઇરીસ્ક પોપ્યુલેશન, વડીલ-વયસ્કોને આઇડેંટીફાય કરાય છે તેની તેમજ જે ઝડપી ટ્રેસિંગ અને સારવાર ફોલો અપ થાય છે, તેનાથી કોમ્યુનિટી ટ્રાન્સમિશન-સંક્રમણ વ્યાપકપણ નિયંત્રણમાં રહ્યું છે, તેનાથી આ ટીમે સંપૂર્ણ સંતોષ દર્શાવ્યો હતો.
 મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ પણ ગુજરાતમાં કોવિડ માટે નિયમિતપણે બેઠકો યોજીને રાજ્યમાં કોરોના સંક્રમણના નિયંત્રણ માટે હાથ ધરવામાં આવતી તમામ બાબતોની વિગતવાર ચર્ચા ટીમ સાથે કરી હતી.કેન્દ્રીય ટીમના વડા ડૉ. સિંઘે આશાવર્કર બહેનો, ફિમેલ હેલ્થ વર્કર્સ તેમજ લોકો-નાગરિકો સાથે સંવાદ-વાતચીત કરીને તેમણે જે પ્રતિભાવો મેળવ્યા તે પૂર્ણતઃ સંતોષજનક છે તેમ સ્પષ્ટપણે જણાવ્યું હતું.
ડૉ. સિંઘે રાજ્યની હોસ્પિટલોમાં આવતા કોવિડ પેશન્ટ્સની સ્થિતિનું સ્કેનિંગ કરીને પેશન્ટની તબક્કાવારની સ્થિતિનું મોનિટરિંગ થાય તે દિશાના પ્રયાસોને આવકાર્ય ગણાવ્યા હતા.
જે રોગીઓ સંક્રમણમુક્ત થયા છે તેમને પોસ્ટ કોવિડ સ્થિતિમાં યોગ-પ્રાણાયમ અને આયુષ પદ્ધતિથી લાભ-ફાયદો થયાના ગુજરાતમાં જે નોંધપાત્ર ઉદાહરણો છે તેનો પણ અન્ય રાજ્યોમાં પ્રસાર કરી શકાય અને આ પ્રાચીન પદ્ધતિની આવશ્યકતા વ્યાપક બનાવાય તેમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાતમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને આરોગ્ય સેતુ એપ, ઇતિહાસ એપ દ્વારા કોન્ટેક્ટ ટ્રેસિંગ, હોટસ્પોટ આઇડેંટીફીકેશન વગેરેમાં જે ગતિશીલ કામગીરી ... તેની તેમણે સરાહના કરી હતી.
મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સાથે આ ટીમે સીએમ ડેશબોર્ડની પણ મુલાકાત લઇને હોસ્પિટલોમાં રિયલ ટાઇમ મોનિટરિંગ, ટ્રીટમેન્ટ અને પેશન્ટ કેરની થઇ રહેલી ઓનલાઈન કામગીરીને નિહાળી પ્રભાવિત થયા હતા.
ડેશબોર્ડના માધ્યમથી આ ટીમના સભ્યોએ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતની હોસ્પિટલના તબીબો, આરોગ્ય કર્મચારીઓ અને સારવાર લઈ રહેલા વ્યક્તિઓ સાથે સંવાદ કરીને માહિતી મેળવીને સંતોષ વ્યક્ત કર્યો હતો.
ડૉ. એસ. કે. સિંઘે ગુજરાતમાં હબ એન્ડ સ્પોક મોડલ પર હોસ્પિટલોને દર્દીઓની સારવાર માટે એકબીજા સાથે જોડીને તેમજ ટર્શરી કેર સેન્ટરને પણ જોડીને જે પ્રયોગ થયો છે તેની પ્રસંશા કરી હતી.
આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્ય સચિવ અનિલ મુકીમ, અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયા, આરોગ્ય અગ્રસચિવ ડૉ. જયંતી રવિ, મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર, કમિશ્નર જયપ્રકાશ શિવહરે પણ જોડાયા હતા

(7:40 pm IST)