ગુજરાત
News of Friday, 22nd October 2021

રાજ્ય સરકારના કર્મચારીઓ આંદોલનના મૂડમાં:7માં પગાર પંચના લાભો સહિતની માંગણી:ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન

ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના નેજા હેઠળ વિવિધ મંડળો દ્વારા ગાંધીનગરમાં જુના સચિવાલય બહાર સુત્રોચાર અને વિરોધ કરાયો

ગાંધીનગર :રાજ્ય સરકાર  દ્વારા કર્મચારીઓને 7માં પગાર પંચના લાભો ન મળતા કર્મચારીઓએ રાજ્ય સરકાર સામે બાંયો ચઢાવી છે. કેન્દ્ર સરકારના ધોરણે સાતમા પગારપંચનો સૈધ્ધાંતિક રીતે ગુજરાત સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે પરંતુ તેનો અમલ ન કરાતા રાજ્ય સરકારના કર્મચારીઓ આંદોલનના મૂડમાં દેખાઈ રહ્યા છે.

ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના નેજા હેઠળ વિવિધ મંડળો દ્વારા ગાંધીનગરમાં સુત્રોચાર અને વિરોધ કરાયો હોવાના સમાચાર મળી રહ્યા છે. ગાંધીનગરના જૂના સચિવાલયના કર્મચારી મંડળની કચેરીની બહાર દેખાવો યોજાયા. જેમાં કર્મચારીઓએ ફિક્સ પગારની નોકરી બંધ કરો, વય મર્યાદા 60 વર્ષ કરવા સહિતની પડતર માંગણીઓને લઇને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. કર્મચારીઓની ખાતાકીય પરીક્ષા પણ બંધ કરવાની માંગણી કરવામાં આવી છે. કર્મચારીઓને વિવિધ માંગણીઓને જોતા આગામી સમયમાં જો સરકાર તેમની માંગણીઓ નહીં સંતાષે તો કર્મચારીઓ આંદોલનના માર્ગે જઈ શકે છે.

 

અગાઉ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે વિવિધ માંગણીઓને પુરી કરવા માટે રાજ્ય સરકારને 21મી ઓક્ટોબર સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. જો કે રાજ્ય સરકાર દ્વારા આજ દિન સુધી કોઈ નિર્ણય ન લેવાતા આજથી કર્મચારીઓ આંદોલનનો પ્રારંભ કર્યો છે.

અત્રે નોંધનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા તેમના કર્મચારીઓ માટે કોરોનાના સમયગાળામાં મોંઘવારી ભથ્થાને ફ્રિઝ કરવામાં આવેલ અને હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા વઘતી જતી મોંઘવારી અને મોંઘવારી ભાવાંકને ધ્યાને લઇ 11 ટકા મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી હતી, ત્યારે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને સંકલન સમિતિએ જણાવ્યું હતું કે દેશના અનેક રાજ્યોમાં કેન્દ્ર સરકારના ઘોરણે તેમના કર્મચારીઓ માટે 11 ટકા મોંઘવારી ભથ્થાનો વધારો કરી દીધો છે પરંતુ ગુજરાતમાં જ તેનો અમલ થતો નથી.

(8:48 pm IST)