ગુજરાત
News of Sunday, 22nd May 2022

અમદાવાદમાં દારૂ-જુગારના અડ્ડાઓ તવાઈ :સરદારનગરમાં દેશી દારૂની ફેક્ટરી ઝડપાઇ :6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે રેડ પાડી :560 લીટર દેશી દારૂ, દારૂ બનાવવાનો વોટ્સ 9800 લીટર, 100 કિલો ગોળ, 16 ગેસના બાટલા મળીને 6 લાખથી વધુનો મુદ્દામાલ મળ્યો

અમદાવાદ:શહેરમાં દિવસેને દિવસે ગુનાનું પ્રમાણ વધી રહ્યું છે, શહેરના સરદારનગર વિસ્તારમાંથી દેશી દારૂ બનાવતી આખી ફેક્ટરી ઝડપાઈ છે. છેલ્લા ત્રણ દિવસમાં અલગ અલગ એજન્સીઓએ રેડ કરીને જુગારધામ અને દારૂના અડ્ડાનો પર્દાફાશ કર્યો છે. પૂર્વ વિસ્તારના નરોડા, બાપુનગરમાંથી જુગારધામ ઝડપાયા છે, જ્યારે ઓઢવમાં પોલીસ દ્વારા જ ચેક પોઈન્ટ પર લૂંટ કરાઈ હોવાની ઘટના બની હતી, જેમાં ખૂદ ઉચ્ચ અધિકારીઓને મધ્યસ્થી કરવી પડી હતી.

શહેરના સરદારનગરમાં દારૂના રેકેટમાં આખી ફેકટરી ઝડપાઇ છે. આ ફેકટરી રંભા નામની મહિલા ચલાવતી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે રેડ કરતા તમને આખી ફેક્ટરી મળી આવી હતી. જેમાંથી 560 લીટર દેશી દારૂ, દારૂ બનાવવાનો વોટ્સ 9800 લીટર, 100 કિલો ગોળ, 16 ગેસના બાટલા મળીને 6 લાખથી વધુનો મુદ્દામાલ મળી આવ્યો હતો.

ઓઢવમાં ચેક પોસ્ટ પર બે પોલીસ કોન્સ્ટેબલ, એક હોમગાર્ડ અને એક અજાણ્યા વ્યક્તિએ ગાંધીનગર તરફ એડમિશન લેવા માટે જતા વિદ્યાર્થીઓની એક જીપને રોકીને ગાડીના દસ્તાવેજો માગી ચાલકને ખોટી રીતે ઢોર માર મારી દાદાગીરી કરીને બળજબરીથી રૂ.6 હજાર પડાવી લીધા હતા. આ અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ થતા બે પોલીસકર્મી સહિત ચાર સામે ઓઢવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

નરોડા વિસ્તારમાં ચાલતા જુગારધામ પર PCB (પ્રિવેન્સન ઓફ ક્રાઈમ બ્રાન્ચ)ની ટીમે રેડ કરીને તેનો પર્દાફાશ કરી નાખ્યો હતો.

બાપુનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા હોવાની જાણ સ્ટેટ મોનિટરિંગ સેલને થઈ હતી. જેમાં રેડ કરીને 8 જુગારીઓને મુખ્ય રોડ પર જુગાર રમતા પકડી લેવામાં આવ્યા હતા.

(8:55 pm IST)