ગુજરાત
News of Sunday, 22nd May 2022

વલસાડ નજીક તડ ગામ પાસે ખાદ્યતેલ ભરેલું કન્ટેનર પલટી ગયું : રસ્તા પર ઢોળાયેલ ખાદ્યતેલ લેવા લોકોએ લૂંટ ચલાવી

સ્થાનિક લોકો વાસણ લઈને ખાદ્ય તેલની લૂંટ ચલાવવા દોડી આવ્યા: તેલ ભરવા પડાપડી

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા અને મહારાષ્ટ્રના બોર્ડર ઉપર આવેલા તડ ગામની સીમામાં મહારાષ્ટ્ર તરફથી આવતું ખાદ્યતેલ ભરેલું કન્ટેનર પલટી ગયું હતું. જેને લઈ કન્ટેનરમાંથી ખાદ્યતેલ લીકેજ થઈને રસ્તા ઉપર ઢોળાઈ રહ્યુ હતું. આ ઘટનાની જાણ સ્થાનિકોને થતા સ્થાનિક લોકોએ ખાદ્ય તેલની લૂંટ ચલાવી હતી. જોકે, આ અકસ્માતમાં ચાલક અને ક્લીનરનો બચાવ થયો હતો.

મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે પર મહારાષ્ટ્ર અને વલસાડ જિલ્લાની નજીક આવેલા તડ ગામ પાસે મહારાષ્ટ્ર તરફથી આવતું ખાદ્ય તેલ ભરેલું કન્ટેનર આકસ્મિક રીતે પલટી ગયું હતું. જેથી કન્ટેનરમાંથી ખાદ્ય તેલ લીકેજ થઈ રહ્યું હતું અને તેલનો જથ્થો રસ્તા ઉપર ઢોળાઈ રહ્યો હતો. જેની જાણ સ્થાનિક લોકોને થતા જોતજોતામાં સ્થાનિક લોકો વાસણ લઈને ખાદ્ય તેલની લૂંટ ચલાવવા દોડી આવ્યા હતા.

સ્થાનિકોએ ખાદ્ય તેલની લૂંટ ચલાવતા થોડી વાર માટે એક તરફનો વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો. આ અંગે મળતી માહિતી મુજબ ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા કન્ટેનર પલટી મારી ગયું હતું. ત્યારે હાઇવે પર ખાદ્ય તેલ ઢોળાઈ રહ્યુ હોવાના સમાચાર વાયુવેગે પ્રસરતા લોકોએ તેલ ભરવા પડાપડી કરી હતી.

(8:51 pm IST)