ગુજરાત
News of Sunday, 22nd May 2022

અમદાવાદમાં ઓગસ્ટ સુધીમાં દોડશે મેટ્રો ટ્રેન:પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો સંપૂર્ણ કાર્યરત થઇ જશે

મેટ્રો ટ્રેનના પ્રથમ તબક્કામાં ગ્યાસપુર ડેપોથી મોટેરા મેટ્રો સ્ટેશન સુધીનો સમાવેશ :ગ્યાસપુર ડેપોનું કામ પૂર્ણ

અમદાવાદમાં મહત્વકાંક્ષી મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો ઓગસ્ટ સુધીમાં સંપૂર્ણ કાર્યરત્ થઇ જાય તેવી સંભાવના છે. મેટ્રો ટ્રેનના પ્રથમ તબક્કામાં ગ્યાસપુર ડેપોથી મોટેરા મેટ્રો સ્ટેશન સુધીનો સમાવેશ થાય છે. ગ્યાસપુર ડેપોનું કામ પૂર્ણ થઇ ગયેલ છે તથા મેટ્રો ટ્રેનના ટ્રાયલની શરૂઆત ગ્યાસપુર ડેપોથી જીવરાજ સુધી માર્ચ, 2022માં કરવામાં આવેલ હતી, ત્યારબાદ તેને લંબાવીને વિજયનગર સુધી ટ્રાયલ કરવામાં આવી હતા. 20મી મે 2022ના રોજ ગ્યાસપુર ડેપોથી મોટેરા મેટ્રો સ્ટેશન સુધી મેટ્રો ટ્રેનની ટ્રાયલ હાથ ધરી હતી

આ ટ્રાયલ દરમિયાન મેટ્રો ટ્રેન એપીએમસી, જીવરાજ, રાજીવનગર, શ્રેયસ, પાલડી, ગાંધીગ્રામ, જૂની હાઈકોર્ટ, ઉસ્માનપુરા, વિજયનગર, વાડજ, રાણીપ, એઈસી, સાબરમતી મેટ્રો સ્ટેશનથી પસાર થઈ મોટેરા મેટ્રો સ્ટેશન પર પહોંચી હતી. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટ ફેઝ-1 માં બે કોરિડોર છે. એક નોર્થ-સાઉથ કોરિડોર અને બીજો ઇસ્ટ-વેસ્ટ કોરિડોર છે. નોર્થ-સાઉથ કોરિડોર ગ્યાસપુર ડેપોથી મોટેરા, ઇસ્ટ-વેસ્ટ કોરિડોર થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ સુધી છે.

ઉત્તર-દક્ષિણ (NS) કોરિડોરની લંબાઈ 18.89 કિલોમીટર છે તથા 15 એલિવેટેડ મેટ્રો સ્ટેશનનો સમાવેશ થાય છે. હવે ટ્રાયલો ચાલુ રહેશે અને આગળની બાકી રહેતી કામગીરી પુર્ણ કરવાની કાર્યવાહી થશે. તે બાદ ગ્યાસપુર ડેપોનું અને ગ્યાસપુરથી મોટેરા સુધીની લંબાઇનું નિરીક્ષણ કરવા માટે કમિશ્નર ઓફ મેટ્રો રેલ સેફ્ટી (સી.એમ.આર.એસ) ને વિનંતી કરવામાં આવશે. તેવી જ રીતે પૂર્વ-પશ્ચિમ કોરિડોરમાં મેટ્રો રેલની કામગીરી પૂરજોશમાં પ્રગતિમાં છે.

(8:49 pm IST)