ગુજરાત
News of Sunday, 22nd May 2022

ગુજરાતી ફિલ્મ અભિનેત્રી પાસે ઇન્સ્ટાગ્રામમાં રૂપિયા માંગ્યા અને યુવકે કર્યા અશ્લીલ મેસેજ

યુવકે કામની લાલચ આપી મોબાઈલ નંબર મેળવી લીધો :અભિનેત્રીને મેસેજ કરીને બ્લેક મેઈલ કરતો અને લગ્ન કરવા માટે સ્યુસાઈડ નોટ સોશિયલ મીડિયા પર મુકીને હેરાન કરતો હોવાની રાવ

અમદાવાદ :ગુજરાતી ફિલ્મમાં કામ કરતી અભિનેત્રી અને મોડેલ પાયલ પટેલને સોશિયલ મીડિયામાં યુવક હેરાન કરતો હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાસમાં આવી છે. અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતી પાયલ પટેલે સોલા પોલીસ સ્ટેશનમાં સ્મિત ચૌહાણ નામના યુવક વિરૂદ્ધ અરજી કરી છે. આ યુવક સોશિયલ મિડીયા પર અભિનેત્રીને મેસેજ કરીને બ્લેક મેઈલ કરતો હોવાની અને લગ્ન કરવા માટે સ્યુસાઈડ નોટ સોશિયલ મીડિયા પર મુકીને હેરાન કરતો હોવાની રાવ ઉઠી છે. 

પાયલ પટેલ છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં એક્ટીવ છે. અને તેના હજારો ફોલોવર્સ છે. આ દરમિયાન થોડાક સમય પહેલા તેની ઇન્સ્ટાગ્રામ આઇડી પર સ્મિત ચૌહાણ નામના યુવકે રીકવેસ્ટ મોકલી હતી. અભિનેત્રીએ સ્મિતની રીકવેસ્ટ એક્સેપ્ટ કરી લીધી હતી. ત્યારબાદ ફિલ્મમાં કામ હોવાનું કહીને સ્મિતે અભિનેત્રી સાથે વાતચીત કરવાનું શરૂ કરી દીધુ હતું. કામની લાલચને લઈને અભિનેત્રીએ તેનો મોબાઇલ નંબર સ્મિતને આપ્યો હતો. નંબર મળતાની સાથે સ્મિતે તેની સાથે વાતચીત કરવાની શરૂ કરી હતી અને બીભત્સ માંગ પણ કરી હતી. જેને લઈને અભિનેત્રીએ સ્મિત સાથે વાત કરવાનું બંધ કરી દીધુ હતું અને નંબર બ્લોક લીસ્ટમાં નાખી દીધો હતો. છતાં પણ સ્મિત અવારનવાર અલગ અલગ નંબરથી અભિનેત્રીને ફોન કરીને હેરાન કરતો હોવાનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે.

  અરજીમા કરેલા આક્ષેપ પ્રમાણે સ્મિત પોલીસ અધિકારીની પણ ધમકી આપતો હતો. આ સિવાય સ્મિતે મેસેજ કરીને 500 રૂપિયાની માગણી કરી હતી જેમાં અભિનેત્રીએ આપવાનો ઇન્કાર કરી દેતા તેની સાથે અભદ્ર ભાષામાં વાતચીત કરી હોવાની પણ રાવ કરાઇ છે. મહત્વનુ છે કે સ્મિતના ત્રાસથી કંટાળીને અંતે યુવતીએ સોલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. પોલીસે આ સમગ્ર મામલે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. વધુમાં સ્મિત હિંસક માનસીકતા ધરાવતો હોવાની અભિનેત્રીએ શંકા વ્યક્ત કરી છે. તો આવાં રોમિયો સામે જાગૃત રહેવા પણ યુવતીઓને અપીલ કરી છે.

(12:39 am IST)