ગુજરાત
News of Wednesday, 22nd March 2023

પેપર ચકાસણીની કામગીરી ૩૦ માર્ચથી થશે શરૂ

૬૮૦૦૦ શિક્ષકો ચકાસશે ગુજરાત બોર્ડના પેપરો

અમદાવાદ, તા.૨૨: ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચ માધ્‍યમિક શિક્ષણ બોર્ડ (જીએમએચએસઇબી)ના એક અધિકારીએ કહ્યું કે આ મહિનામાં બોર્ડ એકઝામ પુરી થયા પછી ઉત્તરવહી ચકાસવાની કામગીરીમાં ૬૮,૦૦૦ શિક્ષકો ભાગ લેશે.

ગયા વર્ષ સુધી ઉત્તરવહી ચકાસણીની પ્રક્રિયા બોર્ડર એકઝામ શરૂ થયાના પાંચમા દિવસથી શરૂ કરાતી હતી. આ વર્ષે બોર્ડે પરિક્ષા પુરી થયા બે દિવસ પછી ૩૦ માર્ચથી ચકાસણી શરૂ કરવાનું નક્કી કર્યુ છે.બોર્ડે ૧૦ અને ૧૨માં ધોરણની પરિક્ષાઓ પુરી થાય ત્‍યાં સુધી રાહ જોવાનું નક્કી કર્યુ છે કારણે કે ચકાસણીના કામમાં ઘણા બધા શિક્ષકો લાગવાના કારણે ચાલી રહેલી પરિક્ષાઓ અને ૯મા તથા ૧૧માં ધોરણની શૈક્ષણિક પ્રવૃતિઓમાં શિક્ષકોની અછત સર્જાઇ શકે. આ વર્ષે ૧૦માં ધોરણ માટે રાજયભરમાં ૧૬૩ ચકાસણી કેન્‍દ્રો રહેશે. જેમાં ૨૮,૦૦૦ શિક્ષકો જોડાશે.

ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની ઉત્તરપોથીઓની ચકાસણી માટે ૫૬ કેન્‍દ્રોમાં ૧૦,૦૦૦ શિક્ષકો જોડાશે. આવી જ રીતે ધો.૧૨ સામાન્‍ય પ્રવાહ માટે ૧૪૪ કેન્‍દ્રો રહેશે. અને ઉત્તરપોથીની ચકાસણી ૩૦,૦૦૦ શિક્ષકો કરશે.

ગત વર્ષે ઉત્તરવહીની ચકાસણીની પ્રક્રિયામાં ૬૧,૦૦૦ શિક્ષકો જોડાયા હતા. દરેક શિક્ષકે એક દિવસમાં ૩૬ ઉત્તરપોથીમાં એક પ્રશ્‍નનું મુલ્‍યાંકન કરવાનું હોય છે. ચકાસણીની આ પ્રક્રિયા ૩૬૩ કેન્‍દ્રોમાં ૨૦ દિવસ સુધી સવારના ૧૧ થી સાંજના પ વાગ્‍યા સુધી આવશે.

(4:40 pm IST)