ગુજરાત
News of Saturday, 21st August 2021

અમદાવાદનું એરપોર્ટ ૧૬ મહિના બાદ ફરી જીવંત બન્યું

મુસાફરોની સંખ્યામાં થયો વધારો : કોરોના વાયરસે એન્ટ્રી કરી તે અગાઉની પરિસ્થિતિએ હાલમાં મુસાફરોની પરિસ્થિતિ સુધરવા લાગી છે

અમદાવાદ, તા.૨૧ : દેશભરમાં હાલ કોરોનાના કેસમાં થઇ રહેલા સતત ઘટાડાને પગલે લોકજીવન ફરીથી ધબકતું થયુ છે. અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે પણ તેની મોટી અસર જોવા મળી રહી છે. કોરોનાએ એન્ટ્રી કરી તે અગાઉની સ્થિતિએ હાલમાં મુસાફરોની પરિસ્થિતિ સુધરવા લાગી છે. અમદાવાદ એરપોર્ટ ખાતે ડોમેસ્ટિક મુસાફરોની અવર-જવર જૂન મહિનામાં .૨૩ લાખ અને જુલાઇ મહિનામાં .૩૨ લાખ નોંધાઇ હતી. આમ, એક મહિનામાં ડોમેસ્ટિક મુસાફરોમાં ૫૦ ટકા સુધીનો વધારો નોંધાયો છે.

અમદાવાદ એરપોર્ટમાં જુલાઇ મહિના દરમિયાન કુલ ૩૩૬૪ ફ્લાઇટમાં ૩૩૨૮૮૮ મુસાફરોની અવર-જવર નોંધાઇ હતી. આમ, પ્રત્યેક ફ્લાઇટમાં મુસાફરોની સંખ્યા સરેરાશ ૯૮ થી વધારે હતી. જેની સરખામણીએ કોરોનાની બીજી લહેર દરમિયાન મે મહિનામાં પ્રત્યેક ફ્લાઇટમાં મુસાફરોની સંખ્યા માત્ર ૭૩ હતી. જેના ઉપરથી એરટ્રાફિક હવે પૂર્વરત થયાનો અંદાજો લગાવી શકાય છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમદાવાદ એરપોર્ટમાં જૂન મહિનામાં દરરોજ સરેરાશ ૭૪૬૧ મુસાફરોની અવર-જવર હતી. હવે જુલાઇમાં તે વધીને ૧૦૭૩૮ નોંધાઇ છે. એપ્રિલ-મે દરમિયાન કોરોનાના કેસમાં વધારાને પગલે તેમજ અનેક રાજ્યો દ્વારા અન્ય રાજ્યથી આવનારા માટે આરટીપીસીઆર ટેસ્ટ પણ ફરજીયાત કરવામાં આવ્યો હતો.

જેના પગલે મુસાફરોની સંખ્યામાં ખૂબ ઘટાડો નોંધાયો હતો. વખતે સ્થિતિ એવી પણ સર્જાઇ હતી કે પૂરતા મુસાફરો નહિ મળવાથી ફ્લાઇટને આખરી તબક્કે પણ રદ્દ કરવી પડતી હતી.

પરંતુ હવે સ્થિતિ ધીમે ધીમે સુધરી રહી છે. આગામી મહિનામાં વિવિધ તહેવારોની રજાઓ પણ આવતી હોવાથી અમદાવાદ એરપોર્ટ ખાતે પેસેન્જર ટ્રાફિકનો આંક લાખ સુધી પહોંચે તેવી સંભાવના છે.

આંતરરાષ્ટ્રીય પેસેન્જર ટ્રાફિકની વાત કરીએ તો, જુલાઇ મહિનામાં દિલ્હી એરપોર્ટથી સૌથી વધુ ૨૦.૨૯ લાખ, મુંબઇ એરપોર્ટમાં ૧૦.૦૫ લાખ, કોલકાત્તામાં .૭૪ લાખ, ચેન્નાઇમાં .૪૬ લાખ સાથે સૌથી વધુ મુસાફરો નોંધાયા હતા.

 અમદાવાદ એરપોર્ટ ખાતેથી પણ આંતરરાષ્ટ્રીય મુસાફરોની અવર-જવરમાં વધારો નોંધાયો છે. મે મહિનામાં ૨૧૫ ફ્લાઇટમાં ૭૪૪૨, જૂનમાં ૨૧૨ ફ્લાઇટમાં ૯૨૮૮ અને જુલાઇમાં ૨૬૦ ફ્લાઇટમાં ૧૨૫૪૩ આંતરરાષ્ટ્રીય મુસાફરોની અવર-જવર હતી. આમ, જુલાઇમાં અમદાવાદ એરપોર્ટમાં પ્રત્યેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં ૪૮ થી વધુ મુસાફરો નોંધાયા હતા.

(8:37 pm IST)