ગુજરાત
News of Saturday, 21st August 2021

તાપીના વ્યારાના માયપુરમાં પેટ્રોલપમ્પમાં ધોળે દિવસે લૂંટ : લૂંટારુઓ છરો અને બંદૂક બતાવી રોકડની લૂંટ ચલાવી ફરાર

બાઈક પર રેઈનકોટ પહેરી આવેલા લોકોએ ફિલ્મી ઢબે બંદૂક અને ચપ્પુની અણીએ ચલાવી લૂંટ.: ઘટના સીસીટીવીમાં કેદ

 તાપીમાં વ્યારાના માયપુરમાં પેટ્રોલપમ્પમાં ધોળે દિવસે લૂંટારૂઓ આવ્યા અને છરો અને બંદૂક બતાવી અને રોકડની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા. આ ઘટના સીસીટીવી વીડિયોમાં  કેદ થઈ છે. બનાવની વિગતો એવી છે કે આજે સવારે વ્યારા જિલ્લામાં આવેલા માયપુર પાસે પેટ્રોલ પમ્પમાં લૂંટની ઘટના સામે આવી છે. વ્યારાના માયપુર પાસે સુરત-ધુલિયા હાઇવે પરનાં એસ્સાર પેટ્રોલપમ્પ પર બાઇક સવાર બે લૂંટારૂઓએ લૂંટ ચલાવી હતી. પહેલાં તો આ લૂંટારૂઓ રેઇનકોટ પહેરીને આવ્યા અને ગ્રાહકના સ્વાંગમાં જ આવ્યા હતા.

લૂંટ ચલાવતા પહેલાં આ ચાલાક શખ્સોએ ગ્રાહકોની જેમ પહેલાં ઓફિસની આગળના ભાગમાં બાઇક રાખી. વરસાદની સિઝન હોવાથી તેમણે રેઇનકોર્ટ પહેર્યો છે તેવું ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવું લાગે છે બાકી રેઇનકોટ પહેરવાનો આશય ઓળખ છુપાવવાનો જ જણાતો હતો. આ શખ્સોએએ રેઇનકોટ્માં જ હથિયાર રાખ્યા હતા.

કાળા કલરની પલ્સર લઈને આવેલા આ બે લૂંટારૂઓએ લોકોની અવરજવર જેવી ઘટી કે બંદૂક અને ચપ્પુની અણીએ દીન દહાડે લૂંટ ચલાવી હતી. લૂંટારૂ પૈકીના એકના હાથમાં છરો હતો જ્યારે એક પાસે બંદૂક હતી. પેટ્રોલ પમ્પના કર્મચારીઓએ પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ એ વખતે સવારનો સમય હતો અને કલેક્શનના 94,000 રૂપિયા ગલ્લામાં હતા જેની લૂંટ ચલાવી હતી.

પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારૂઓની ઓળખ શરૂ કરી છે ત્યારે રાજ્યના સરહદી તાપીમાં સુરત-ધુલિયા જેવા ધમધમતાં હાઇવે પર થયેલી લૂંટના પગલે ચકચાર છે. જોકે, પેટ્રોલ પમ્પ પર લૂંટ કરનારા આ શખ્સોએ અગાઉ રેકી કરી હતી કે કેમ વગેરે જેવી બાબતો તપાસના અંતે જ જાણી શકાશે.

(8:03 pm IST)