ગુજરાત
News of Saturday, 21st August 2021

ગાંધીનગર જિલ્લામાં હિટ એન્ડ રન:કોન્ટ્રાક્ટરના બાઇકને ટ્રકે હડફેટે લેતા મજૂરનું ઘટનાસ્થળેજ મોત:ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ગાંધીનગર : જિલ્લાના હાઈવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે અને તેમાં પણ હીટ એન્ડ રનના બનાવોએ માથુ ઉંચકયું છે ત્યારે ગઈકાલે દહેગામ-નરોડા હાઈવે ઉપર શિવનગર પાટીયા પાસે હીટ એન્ડ રનની વધુ એક ઘટના બની હતી. આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વીગતો પ્રમાણે અમદાવાદના રાણીપ સુર્યાઅમી એપાર્ટમેન્ટમાં રહેતા અને ફેબ્રીકેશનનો કોન્ટ્રાકટ ધરાવતાં સુનિલભાઈ રમેશભાઈ પંચાલે દહેગામ ઉંટડીયા મહાદેવ રોડ ઉપર ખેતરમાં શેડ બનાવવાનું કામ રાખ્યું હતું. જેથી અન્ય મજુરોને તેમણે રીક્ષામાં આ સ્થળ ઉપર મોકલી દીધા હતા જયારે માધુપુરા પોલીસ ચોકી પાસે ભરાતાં મજુર મેળામાંથી પ૦થી પપ વર્ષની વયના પતરાંનું કામ જાણતાં એક મજુરને લીધો હતો અને બાઈક પાછળ બેસાડી દહેગામ જવા રવાના થયા હતા. તેમનું બાઈક નરોડા-દહેગામ રોડ ઉપર પસાર થઈ રહયું હતું તે દરમ્યાન શિવનગર પાટીયા પાસે પાછળથી આવતાં ડમ્પરે તેમના બાઈકને જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે તે અને મજુર બન્ને નીચે પટકાયા હતા. જયારે ડમ્પરનો ચાલક ડમ્પર લઈને નાસી છુટયો હતો. આ અકસ્માતમાં મજુરનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું. જયારે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સુનિલભાઈને સારવાર માટે નરોડાની હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઘટના અંગે ડભોડા પોલીસે ફરાર ડમ્પરચાલક સામે ગુનો નોંધી તેને પકડવા દોડધામ શરૃ કરી છે. 

 

(5:16 pm IST)