ગુજરાત
News of Saturday, 21st August 2021

કલોલ તાલુકાના રકનપુર ગામની સીમમાં અગાઉ ખેતરમાં થયેલ યુવાનની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ગાંધીનગર : કલોલતાલુકાના રકનપુર ગામની સીમમાં મહેશભાઈ પટેલના પડતર ખેતરમાં ઝુંપડા પાસેથી ગત સોમવારે વેલાભાઈ ઉર્ફે વિનોદભાઈ પુંજાભાઈ દેવીપુજક મુળ રહે.પાટડી સુરેન્દ્રનગરનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ઘાતક હથિયારોથી આ હત્યા કરાઈ હોવાનું પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં બહાર આવ્યું હતું. આ અંગે સાંતેજ પોલીસમાં અજાણ્યા શખસો સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. સાંતેજ પોલીસ મથકના ઈન્ચાર્જ પીઆઈ એલ.એચ.મસાણી અને તેમની ટીમે મથામણ શરૃ કરી હતી. દરમ્યાનમાં બાતમી મળી હતી કે ગત તા.૧૪ ઓગસ્ટના રોજ મોટર સાયકલ સાથે બે અજાણ્યા શખ્સો સામે પ્રોહીબીશનનો ગુનો દાખલ થયો છે. જેની માહિતી આપનાર ઈસમે જ સાગરીતો સાથે રકનપુરના આ હત્યાના ગુનાને અંજામ આપ્યો છે. જે બાતમીના આધારે તપાસ કરતાં આ બાઈક દીપેશ ગોવિંદભાઈ સીંદેનું હોવાનું બહાર આવ્યું હતું અને દીપેશ અને મૃતક વેલજી છેલ્લા ઘણા સમયથી મિત્રો હતા. દિપેશ ઘણીવાર વેલાભાઈના છાપરામાં આવતો હતો અને જયાં ભુપતજી તેના પરિવાર સાથે રહેતો હતો. ભુપતજીની પત્નિ રાધીબેન તથા વેલાભાઈ વચ્ચે આડા સંબંધો હતા. જેથી તે ભુપતજીને ખટકતું હતું. ગત તા.૧૩ ઓગસ્ટે દીપેશ વેલાભાઈ સાથે છાપરે ગયો હતો તે દરમ્યાન દીપેશ ત્યાં જ સુઈ ગયો હતો અને ભુપતજી સાંતેજ ગામમાં રહેતા ચહેરાજી ઠાકોર તથા તેના દીકરા કાળુ ઠાકોર અને અજય ઠાકોરને લઈને આવ્યો હતો. જયાં વેલાભાઈને માર મારીને કારમાં બેસાડી લઈ ગયા હતા. દીપેશનું બાઈક પણ આ શખ્સો લઈ ગયા હતા અને વેલાભાઈને માર મારી પરત મુકી ગયા હતા. ત્યારબાદ દીપેશને ફસાવવા તેના બાઈકમાં દારૃની બોટલો મુકીને ખોટી માહિતી આપી હતી. જેથી સાંતેજ પોલીસે હત્યાના ગુનામાં સાંતેજ ગામના ચેહરાજી બોથાજી ઠાકોરસિધ્ધરાજ ઉર્ફે કાળુ ચેહરાજી ઠાકોર અને અજયજી કરશનજી ઠાકોરને ઝડપી લઈ હત્યામાં વપરાયેલા હથિયારો પણ કબ્જે લીધા હતા. 

 

(5:16 pm IST)