હિંમતનગરના લાલપુર ગામે વિધર્મી શખ્સે મહિલા સાથે સંબંધ કેળવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી
હિંમતનગર: તાલુકાના લાલપુર ગામના વિધર્મી શખ્સે એક મહિલા સાથે સબંધો કેળવી બે પત્નીઓ હોવા છતાં પત્ની ગુજરી ગયાનું જણાવી લગ્નની લાલચ આપી પત્ની તરીકે રાખી અવાર નવાર મરજી વિરૃધ્ધ શારીરીક સબંધો બાંધી દુષ્કર્મ આચરી શારીરીક શોષણનો મામલો બહાર આવવા પામ્યો છે.
મકાન લેવા રૂ. ૮ લાખ લઈ તેની જાણ બહાર રૂ. ૧૯ લાખની લોન લઈ તેના હપ્તા ન ભરી મહિલા સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી તથા અન્ય ત્રણ શખ્સોને મોકલી શારીરીક સબંધો બાંધવા દબાણ કરી મકાન ખાલી કરાવવા ધાક ધમકીઓ અપાતા સમગ્ર મામલો હિંમતનગરના ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પહોચ્યો હતો. જયાં ગ્રામ્ય પોલીસે મહિલાની ફરીયાદ આધારે લાલપુરના ચાર શખ્સો વિરૃધ્ધ ગુનો દાખલ કરી દુષ્કર્મ, વિશ્વાસઘાત અને છેતરપિંડીની ઘટના સંદર્ભે તપાસનો દોર શરૃ કર્યો છે.
મહેસાણાની એક મહિલાને પતિ સાથે મન મેળ ન આવતા છુટાછેડા લીધા બાદ એકલા રહી જમીન લેવેચનું કામ કરતી હતી. તે દરમિયાન ૨૦૦૮માં હિંમતનગરના લાલપુર ગામના જમીનની લેવેચ કરતા ઈબ્રાહિમભાઈ હબીબભાઈ વિજાપુરા સાથે મહિલાની મુલાકાત બાદ મિત્રતા થઈ હતી. તે દરમિયાન ઈબ્રાહિમભાઈએ હું એકલો છું મારી પત્ની ગુજરી ગયા હોવાનું જણાવી મહિલાને લગ્ન કરવા તૈયારી બતાવી હતી અને બન્નેએ જમીન લેવેચનું કામ સાથે કરતા હતા.