ગુજરાત
News of Saturday, 21st August 2021

અમદાવાદમાં વાહન ચોરીના ગુન્‍હામાં 5 શખ્‍સોની ધરપકડઃ મુળ રાજસ્‍થાની શખ્‍સોએ ગુજરાતના અનેક શહેરોમાંથી 27 વાહનો ચોર્યાની કબુલાત

વાહનોના સ્‍ટેરીંગ લોક તોડીને પાર્ક કરેલા વાહનોની ચોરી કરતા

અમદાવાદ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સંખ્યાબંધ વાહનચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી પાંચ શખ્સોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ પૈકી તમામ લોકો મૂળ રાજસ્થાનના રહેવાસી છે. રાજસ્થાન સહિત અમદાવાદના અનેક શહેરોમાં તેમના વિરુદ્ધ વાહનચોરીના ગુના નોંધાયેલા છે. પોલીસ કસ્ટડીમાં ઉભેલા આ પાસે આરોપીઓમાં શંકરસિંહ રાવત અગાઉ પણ વાહન ચોરીના ગુનામાં રાજસ્થાનના પાલી જિલ્લામાં પકડાઇ ચૂક્યો છે.

જ્યારે અન્ય આરોપીઓ આ વાહન ચોરી કરવા માટે ટુકડી બનાવી સાથે રહેતા હતા. હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે 12 જેટલા મોટરસાયકલ ચોરીના કબજે કરી 27 જેટલા વાહનચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. આરોપીઓની મોડેસ ઓપરેન્ડીની વાત કરીએ તો વાહનોના સ્ટેરીંગ લોક તોડીને પાર્ક કરેલા વાહનોની ચોરી કરતી આ ગેંગે માત્ર છ મહિનામાં સંખ્યાબંધ વાહનોની ચોરી કરી હોવાનું સામે આવ્યુ. ત્યારે તેમની વધુ પૂછપરછ દરમિયાન અન્ય ગુનાઓના ભેદ ઉકેલાય તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વાહનચોરી એક મોટી સમસ્યા છે. ગુજરાતના લોકો વાહનો ચોરી તો થાય છે તેની માત્ર ફરિયાદો જ રહી જતી હોય છે. મોટે ભાગે વાહનો પાછા મળતા નથી હોતા. આવા કિસ્સામાં આરોપી પકડાય તો પણ વાહનો પરત મળતા નથી હોતા. તેવામાં આવડી મોટી ગેંગ પકડાઇ તે પોલીસ માટે મોટી સફળતા કહી શકાય.

(4:38 pm IST)