ગુજરાત
News of Saturday, 21st August 2021

અમદાવાદમાં મેટ્રો ટ્રેનની કામગીરીના લીધે 94 રસ્તા તૂટી ગયા :સૌથી વધુ 75 રસ્તા પશ્ચિમ ઝોનમાં તૂટ્યા

રસ્તાઓ ઉપરાંત પાણીની લાઇન, ગટરના જોડાણો કે પછી વરસાદી પાણીની લાઇનો તૂટવાના અનેક બનાવો

અમદાવાદ : શહેરમાં મેટ્રોની કામગીરીએ લોકો માટે મુશ્કેલીઓની ભરમાર સર્જી દીધી છે. મેટ્રોની કામગીરીના કારણે એક વર્ષમાં શહેરના 94 રસ્તા તૂટી ગયા છે.. શહેરીજનોની સુવિધા માટે બની રહેલી મેટ્રો ટ્રેન પ્રોજેક્ટની કામગીરી અત્યંત ધીમી ચાલી રહી છે અને સમસ્યાઓ વધુ સર્જાઈ રહી છે.

હાલમાં જ કોર્પોરેશને તાકીદ કરતાં આ રસ્તા દુરસ્ત કરવાનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું. શહેરમાં મેટ્રોને કારણે સૌથી વધુ 75 રસ્તા પશ્ચિમ ઝોનમાં તૂટ્યા છે. મેટ્રોની સુવિધા ક્યારે મળશે તે બાબત હજુ પણ અનુત્તિર્ણ છે ત્યારે શહેરમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને કારણે રસ્તાઓ ઉપરાંત પાણીની લાઇન, ગટરના જોડાણો કે પછી વરસાદી પાણીની લાઇનો તૂટવાના અનેક બનાવો છે. આ કારણોસર સ્થાનિક નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમદાવાદ શહેરમાં સૌથી વધુ પશ્ચિમઝોનમાં રસ્તાઓ તૂટ્યા છે. જેમાં સાબરમતી વોર્ડ અને સ્ટેડિયમ વોર્ડમાં જ 23 – 23 જગ્યાએ રસ્તાઓ તૂટ્યા છે. તે બાદ નવાવાડજ વિસ્તારમાં 18 સ્થળે, નવરંગપુરા વિસ્તારમાં 8 સ્થળે, વાસણા વિસ્તારમાં 3 સ્થળે, થલતેજ વિસ્તારમાં 5 સ્થળે, વેજલપુર વિસ્તારમાં 12 સ્થળે રસ્તાઓ તૂટ્યા છે.

બોડદેવ અને શાહપુર વિસ્તારમાં પણ 1 -1 સ્થળે રસ્તાઓ તૂટ્યા છે. ઉલ્લેખનીય છે કે,આ કામગીરીને કારણે વરસાદી પાણીના નીકાલની સ્ટ્રોમવોટર લાઇનોમાં પણ ભંગાણ થતાં વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા વધી રહી છે. ગોમતીપુર વિસ્તારમાં તો વારંવાર ગટરના પાણી ઘરોમાં ઉભરાવવા, વરસાદી પાણીના નિકાલ માટેની લાઈનો સહિતની કેટલીક સમસ્યા મેટ્રો પ્રોજેક્ટની કામગીરીને કારણે જોવા મળે છે.

(11:39 am IST)