ગુજરાત
News of Saturday, 21st August 2021

વિરમગામ શહેરના રામ મહેલ મંદિરોમાં યોજાતા ભવ્ય હિંડોળા ઉત્સવે આકર્ષણ જમાવ્યું

હિંડોળા ઉત્સવ એ ખાસ કરીને પુષ્ટિમાર્ગમાં વિશેષ મહત્ત ધરાવે છે : આખા વિશ્વની ડોર જે પ્રભુના હાથમાં છે એ જ પ્રભુની ડોર હિંડોળા ઉત્સવ દરમિયાન ભક્તોના હાથમાં હોય છે

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ :અષાઢ સુદ બીજથી શ્રાવણ વદ બીજ સુધી વિરમગામ શહેરના વિવિધ મંદિરોમા ભગવાન રાઘાકુષ્ણ, સ્વામિનારાયણ ભગવાનનો હિંડોળા ઉત્સવ ઉજવવામાં આવે છે ત્યારે વિરમગામ શહેરમાં આવેલા ઐતિહાસિક રામમહેલ મંદિરમાં ભવ્ય હિંડોળા દર્શન મહોત્સવ યોજવામાં આવ્યો છે. આ દરમિયાન ભક્તિભાવથી ભગવાનને ઝૂલાવવામાં આવી રહ્યા છે. વિરમગામ શહેરમાં રામમહેલ મંદિરમાં સમગ્ર મહિના દરમિયાન વિવિધ દ્રવ્યોમાંથી હિંડોળા બનાવાય છે. અનાજ, કઠોળ, વાસણ, ફળ, ફૂલ, વગેરે અનેક પ્રકારના દ્રવ્યોમાંથી રચવામાં આવે છે. જ્યારે સમગ્ર મહિના દરમિયાન  મહંત રામકુમારદાસજી બાપુ સહિતના સંતો, સ્વયંસેવકો, બાળમંડળનાં બાળકો દ્વારા હિંડોળા તૈયાર કરવામાં આવતા હોય છે.       અત્રે ઉલ્લેખનીય છે કે હિંડોળા ઉત્સવ એ ખાસ કરીને પુષ્ટિમાર્ગમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે કારણ કે, સર્વ તંત્ર સ્વતંત્ર ભગવાન જ્યારે ભક્તને આધિન બની જાય એ જ તો પુષ્ટિ છે અને હિંડોળાના દિવસો એવા છે કે આખું વર્ષ આખા વિશ્વની ડોર જે પ્રભુના હાથમાં હોય, એ જ પ્રભુની ડોર હિંડોળાના દિવસોમાં ભક્તોના હાથમાં હોય છે. જેમ ભક્ત ઝુલાવે એમ પ્રભુ ઝૂલે. વર્ષા ઋતુને કારણે સુંદર લતા, પટાના ઝુલા બનાવે, વ્રજ ભક્તો પ્રભુને પધારવાની વિનંતી કરે છે અને પ્રભુ ભક્તોના ભાવથી ઝુલવા પધારે ત્યારે ભક્તોનું હૃદય આનંદમાં ડોલવા લાગે છે.

(11:07 am IST)