ગુજરાત
News of Saturday, 21st August 2021

કૂતરાંને પથ્થર મારવા બદલ થયેલી FIR રદઃ શેરીના કૂતરાંઓ પ્રત્યે એટલો જ પ્રેમ હોય તો પાંજરાપોળ ખોલો : ગુજરાત હાઈકોર્ટ

તમે જીવદયા ખાતર શેરીમાં રખડતાં કૂતરાંઓને ખાવાનું ખવડાવો છો પરંતુ આ જ કૂતરાંઓ મોટરસાયકલ પર જતાં લોકો પાછળ દોડે છે

નવી દિલ્હી,તા. ૨૧: શેરીના કૂતરાંને પથ્થર મારવા બદલ નોંધાયેલી પોલીસ ફરિયાદ હાઇકોર્ટે રદ કરી છે અને ફરિયાદની ટીકા કરતા કહ્યું છે કે તમે જીવદયા ખાતર શેરીમાં રખડતાં કૂતરાંઓને ખાવાનું ખવડાવો છો પરંતુ આ જ કૂતરાંઓ મોટરસાયકલ પર જતાં લોકો પાછળ દોડે છે. પ્રાણીઓ પ્રત્યે જીવદયાની વાત થાય છે પરંતુ લોકોના જીવનું શું ? કોર્ટે એવી ટકોર પણ કરી હતી કે રખડતા કૂતરાં પ્રત્યે લાગણી હોય તેમણે પાંજરાપોળ ખોલવી જોઇએ.

કૂતરાને પથ્થર મારવા જતાં કૂતરું નાસી ગયું હોવા છતાં અને તેને ઇજા ન પહોંચી હોવા છતાં પશુ અત્યાચાર બદલ થયેલી પોલીસ ફરિયાદ રદ કરવા ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન થઇ હતી. જેમાં રજૂઆત કરાઇ હતી કે રખડતા કૂતરાંઓ હેરાનગતિ કરતા હોવાથી અને સ્વબચાવ તરીકે પથ્થર મારવામાં આવ્યો હતો. હાઇકોર્ટે આ ફરિયાદ રદ કરી હતી અને ફરિયાદીની ઝાટકણી કાઢી હતી કે લોકો જીવદયાના નામે રખડતા કૂતરાંઓને ખાવાનું ખવડાવે છે અને આ જ કૂતરાઓ મોટરસાયકલ પર નીકળતા લોકો પાછળ દોડે છે અને તેમના માટે ખૂબજ મુશ્કેલીરૂપ બને છે. પશુઓની જીવદયાની વાત કરો છો પરંતુ રખડતા કૂતરાંઓના કારણે લોકોના જીવ જોખમમાં મૂકાય છે તેનું શું? ઘણાં લોકો આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

(10:16 am IST)