ગુજરાત
News of Saturday, 21st August 2021

ટ્રાફિકના નિયમનો ભંગ કરનારાની સામે કાર્યવાહી

ગાડી પર પોલીસ, પ્રેસ લખાવી શકાશે નહીં *પોલીસ દ્વારા વિવિધ લખાણ લખેલ ૨૩૭ જેટલા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી : ૧ લાખ ૨૩ હજારનો દંડ વસુલાયોઃ પોલીસ દ્વારા વિવિધ લખાણ લખેલ ૨૩૭ જેટલા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી : ૧ લાખ ૨૩ હજારનો દંડ વસુલાયો

અમદાવાદ, તા.૨૦ : અમદાવાદમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને લઈને હવે ટ્રાફિક પોલીસ આક્રમક મુડમાં જોવા મળી રહી છે. સૌ પ્રથમ પોલીસ દ્વારા જે પોલીસ કર્મચારી ટ્રાફિકના નિયમનો ભંગ કરતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેના અંતર્ગત પોલીસ સ્ટાફ દ્વારા ખાનગી વાહન પર "P" કે *પોલીસ* કે એવું કોઇ લખાણ કરવામાં આવ્યું હોય તો સ્થળ પર જ તેને દુર કરવાની સાથે દંડ વસુલવાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. ત્યાર બાદ હવે સામાન્ય જનતા સામે પણ કાર્યવાહીનું શસ્ત્ર ઉગામ્યું છે. જેના અંતર્ગત રોફ બતાવવા માટે અલગ અલગ હોદ્દાના લખાણો પોતાના વાહનો પર લખાવતા લોકો વિરુદ્ધ તવાઇ લાવી છે. તો બાદમાં પ્રેસ, ડોકટર કે એડવોકેટ સહિત વાહન પર કોઈ લખાણ લખ્યું હોય તેવા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા માટે એક ડ્રાઈવનું આયોજન કર્યું હતું. ગત ૧૩ ઓગસ્ટ થી ૧૯ ઓગસ્ટ સુધી આ ડ્રાઈવ યોજવામાં આવી હતી.  જેમાં પોલીસ દ્વારા વિવિધ લખાણ લખેલ ૨૩૭ જેટલા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરીને રૂપિયા ૧ લાખ ૨૩ હજારનો દંડ ફટકાર્યો હતો.

તો બીજી તરફ આવી કાર્યવાહી પોલીસ કેવી રીતે કરી શકે તે સવાલ ઉઠતા ઉચ્ચ પોલીસ અધિકારીએ એમ પણ કહ્યું કે વાહન ચાલકો વિરુદ્ધ સ્ફ એક્ટમાં (મોટર વ્હીકલ એક્ટ) કરેલ જોગવાઈઓ પ્રમાણે આ દંડ વસૂલી શકાય તેવી સત્તા હોવાથી આ કાર્યવાહી થઇ રહી છે.

અત્રે નોંધનીય છે કે, પોતાના હોદ્દા દ્વારા કોઇ વ્યક્તિ પર દબાણ લાવવાનો આડકતરો પ્રયાસ હોવાનું કાયદો માને છે. તેથી આ પ્રકારનું કોઇ લખાણ ગાડી પર કરાવી શકાય નહી.

(9:21 pm IST)