ગુજરાત
News of Saturday, 21st August 2021

રવિવારે રક્ષાબંધન હોવાથી રસીનું કામકાજ બંધ રહેશે

નીતિન પટેલે જાહેરાત કરી : આરોગ્ય વિભાગની બહેનો રક્ષાબંધનનો તહેવાર ઉજવી શકે તે માટે નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે

અમદાવાદ,તા.૨૦ : રાજ્યમાં કોરોના વેક્સિનેશન અંગે આરોગ્ય મંત્રી નીતિન પટેલે મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાં આ રવિવારે કોઈને પણ કોરોનાની રસી આપવામાં નહીં આવે, કારણ કે રક્ષાબંધનનો તહેવાર છે. મીડિયા રિપોર્ટ મુજબ આરોગ્ય વિભાગની બહેનો પણ રક્ષાબંધનનો તહેવાર ઉજવી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. રસીકરણની પ્રક્રિયા બંધ રહેવાથી આરોગ્ય વિભાગમાં કામ કરતી બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધી શકશે. રાજ્યમાં બુધવારે સાંજે ૫ વાગ્યાથી ગુરુવારે સાંજે ૫ વાગ્યા સુધીમાં ૩.૭૭ ડોઝ વેક્સીન અપાઈ હતી. જેમાં હેલ્થ અને ફ્રન્ટલાઈન વર્ક્સમાં ૧૫ જણાને પ્રથમ તતા ૪૬૭૮ જણાને બીજો, ૪૫ વર્ષથી ઉપરના ૭૨૬૯૨ને પ્રથમ અને ૮૭૧ને બીજો ડોઝ અપાયો હતો. આ ઉપરાંત ૧૮થી ૪૫ વર્ષ સુધીના લોકોમાં ૨.૧૨ લાખને પ્રથમ અને ૩૩૬૭૮ને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

  આ સાઝે રાજ્યમાં અત્યાર સુધીમાં ૪.૧૯ કરોડ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા મુજબ ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૧૯ કેસ મળી આવ્યા છે. ટેસ્ટિંગની વાત કરવામાં આવે તો છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૫૮ હજાર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. નવા નોંધાયેલા કેસોમાં સૌથી વધુ સુરત ૫, વડોદરા ૪, અમદાવાદ અને જુનાગઢમાં ૨-૨, ગાંધીનગર, ભાવનગર, જામનગર, ગીર, કચ્છ અને નવસારીમાં ૧૧-૧ કેસનો સમાવેશ થાય છે. આ સિવાય ૨૩ જિલ્લામાં નવો એક પણ કેસ નથી નોંધાયો જે સારી બાબત છે. ઘટતા જતા કેસ વચ્ચે રાજ્યમાં કોરોના માટે થતાં ટેસ્ટની સરેરાશ ૫૫થી ૬૦ હજાર વચ્ચે જળાયેલી છે. હજી સુધી રોજરોજ થતાં ટેસ્ટ સાથે જિનોમ સિક્વન્સિંગ દરમિયાન કોઈ પણ વેરિયન્ટની પુષ્ટિ થઈ નથી. દરમિયાન રાજ્યમાં કુલ કેસનો આંકડો વધીને ૮.૨૫ લાખ થયો છે અને તેની સામે નવા ૨૨ દર્દીઓને રજા આપતા કુલ ડિસ્ચાર્જની સંખ્યા વધીને ૮.૧૪ લાખ થઈ છે. તેમજ મૃત્યુઆંક ૧૦૦૭૮ છે. આમ રિકવરી રેટ વધીને ૯૮.૭૬ ટકા થઈ ગયો છે.

(9:23 pm IST)