ગુજરાત
News of Tuesday, 21st June 2022

વડોદરા સયાજીગંજ પોલીસે ચોરાઉ બાઇક સાથે વાહનચોર ઝડપ્યો :14 થી વધુ ચોરીની કબૂલાત

દુબઈમાં સેલ્સમેન અને મુંબઈમાં કપડાંની દુકાનમાં નોકરી કરી હતી : વધુ રૂપિયા કમાવાની લહાઈ અને આર્થિક ફાયદા માટે તે ચોરીના રવાડે ચઢ્યો

વડોદરાના જેતલપુર બ્રીજની નીચે એક વ્યક્તિ ચોરાઉ એક્ટિવા લઈને ઊભો છે જે એક્ટિવા વેચવાની ફિરાકમાં હોવાની પોલીસને કાને વાત પડી હતી. આ બાતમીને પગલે વડોદરાની સયાજીગંજ પોલીસે સ્થળ પર પહોંચી શકમંદ રાજેશ ઉર્ફે રાજુ ગિરધરલાલ મોતીયાણીને દબોચી લીધો હતો. પોલીસે આ શખ્સની પૂછપરછ હાથ ધરી અને એક્ટિવાની આરસી બુક કે બીજા કોઈ દસ્તાવેજી પુરાવા માંગ્યા હતા. જેથી આરોપી ગેંગેફેંફે કરવા લાગ્યો હતો.

આથી શંકાને આધારે પોલીસે કડકાઈથી પૂછપરછ કરતાં આરોપી રાજેશ ઉર્ફે રાજુએ એક્ટિવા કમાટીબાગ ગેટ 2 પાસેના પાર્કિંગમાંથી ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. વધુમાં સૂરજ પ્લાઝાના પાર્કિંગમાંથી 4 મોપેડ અને જેતલપુર બ્રિજ નીચેના પાર્કિંગમાંથી પણ 4 મોપેડ તેમજ રાજશ્રી ટોકીજની સામે આનંદ એપાર્ટમેન્ટ પાછળથી અવાવરૂ જગ્યામાંથી 5 મોપેડ મળી કુલ 14 મોપેડ ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. જેને પગલે પોલીસે તમામ મોપેડ જપ્ત કર્યા હતા.

રાજેશ ઉર્ફે રાજુ અગાઉ બે વખત વાહન ચોરીના ગુન્હામાં અગાઉ પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવાનું પણ સામે આવ્યું છે. તથા આરોપી રાજેશ સામે 6 પોલીસ મથકમાં ચોરીના ગુના નોંધાયેલા છે. આ ઉપરાંત આરોપી વિવિધ 9 ભાષાનો જાણકાર પણ છે. અગાઉ આરોપી રાજેશ ઉર્ફે રાજુ દુબઈમાં સેલ્સમેનની નોકરી કરતો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે, તેમજ મુંબઈ ખાતે કપડાંની દુકાનમાં નોકરી પણ કરતો હતો. ત્યારબાદ વધુ રૂપિયા કમાવાની લહાઈ અને આર્થિક ફાયદા માટે તે ચોરીના રવાડે ચઢ્યો હતો. હાલમાં પોલીસે ચોર રાજેશ ઉર્ફે રાજુને પકડી તેના રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરી છે સાથે જ આરોપી સાથે અન્ય કોઈ પણ શખ્સની સંડોવણી છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

(12:01 am IST)