ગુજરાત
News of Tuesday, 21st June 2022

વડોદરા:ટ્રેનમાં મુસાફરી દરમ્યાન અજાણી વ્યક્તિ સાથે મિત્રતા કરવી શખ્સને પડી ભારે:ચા માં કેફી પીણું પીવડાવી ઠગ 16 હજાર ચાઉં કરી ગયો

વડોદરા: ટ્રેનમાં મુસાફરી દરમિયાન અજાણી વ્યક્તિ સાથે મિત્રતા કરવું યુવકને ભારે પડ્યું છે .વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ ઉપર ચ્હામાં કેફી પીણું પીવડાવી ઠગ ઓનલાઇન 7 હજાર, રોકડા 2 હજાર મળી કુલ 16 હજાર ઉપરાંતની મત્તા ચોરી નાસી છૂટયા હોવાનો બનાવ સામે આવ્યો છે.

રેલવેમાં મુસાફરી દરમિયાન મુસાફરોનો કીમતી સામાન ચોરી થવાની ઘટના દિન-પ્રતિદિન સામે આવી રહી છે. પરંતુ હજુ પણ પોલીસ તથા તંત્ર નિદ્રાધીન અવસ્થામાં છે. તેવામાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. રાજસ્થાનનો રહેવાસી નરસી ચૌધરી ગોવા ખાતે નોકરી કરે છે. તેણે ફરિયાદ નોંધાવી હતી કે, ગત 8 મેના રોજ હું મડગાવ થી કેરલા સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેનમાં વડોદરા તરફ મુસાફરી કરી રહ્યો હતો. અને વડોદરાથી અજમેર પહોંચવાનું હતું. મુસાફરી દરમિયાન સુરત રેલવે સ્ટેશનથી એક વ્યક્તિ કોચમાં મુસાફરી કરી રહ્યો હતો. તેણે મારી સાથે દોસ્તી કેળવી તે પોતે પણ અજમેર જતો હોવાનું જણાવ્યું હતું. 9 મે ના રોજ રાત્રે વડોદરા રેલવે સ્ટેશન આવતા અમે બંને પ્લેટફોર્મ ઉપર અન્ય ટ્રેનનો વેઇટ કરી રહ્યા હતા. તે સમયે અજાણી વ્યક્તિ ચ્હા લઈ આવ્યો હતો. ત્યારબાદ મને ચક્કર આવતા અજાણી વ્યક્તિ મને બહાર ખુલ્લી જગ્યામાં લઈ ગયો હતો. અને ઓનલાઈન સાત હજાર રૂપિયા ઠગે પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા બાદ 02 હજાર રોકડા ,મોબાઇલ ફોન સહિતનો સામાન લઇ રફુચક્કર થઇ ગયો હતો. ત્યારબાદ અજમેર પહોંચી બનાવ સંદર્ભે ફરિયાદ નોંધાવી છે.

(5:51 pm IST)