ગુજરાત
News of Saturday, 21st May 2022

મુખ્યમંત્રીના પીએ ધ્રુમિલ પટેલની હકાલપટ્ટી કરાઈ

ભ્રષ્ટાચારના આક્ષેપો હેઠળ તત્કાળ કાર્યવાહી : ધ્રુમિલ પટેલ પર પોલીસ ઈન્સ્પેક્ટરો પાસેથી તેમની પસંદગીની જગ્યાએ પોસ્ટિંગ લેવા માટે વહીવટ કરાયાનો આક્ષેપ

અમદાવાદ, તા.૨૧ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પર્સનલ આસિસ્ટન્ટ ધ્રુમિલ પટેલની ગુરુવારે રાત્રે તાત્કાલિક અસરથી હકાલપટ્ટી કરવામાં આવી છે. તેમના પર ભ્રષ્ટાચારના કેટલાક ગંભીર કહી શકાય તેવા આક્ષેપ થતાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ધ્રુમિલ પટેલ વિરુદ્ધ છેલ્લા એક મહિનાથી તપાસ ચાલતી હતી. એક અહેવાલ અનુસાર, આ તપાસની સૂચના સીધી પીએમ ઓફિસથી આપવામાં આવી હતી. ધ્રુમિલ પટેલ પર પોલીસ ઈન્સ્પેક્ટરો પાસેથી તેમની પસંદગીની જગ્યાએ પોસ્ટિંગ લેવા માટે વહીવટ કરાયાનો આક્ષેપ છે, આ સિવાય બિલ્ડરોની ફાઈલો ક્લિયર કરવા માટે પણ તેમણે કથિત રીતે રુપિયાની લેતી-દેતી કરી હોવાની ચર્ચા છે.

ભૂપેન્દ્ર પટેલ ૨૦૧૭માં પહેલીવાર ઘાટલોડિયાથી ચૂંટણી લડીને ધારાસભ્ય બન્યા ત્યારથી ધ્રુમિલ પટેલ તેમની સાથે કામ કરી રહ્યો છે. કોલેજના દિવસોમાં તે એનએસયુઆઈના સક્રિય કાર્યકર્તા હતા, પરંતુ પાછળથી તે ભાજપમાં જોડાઈ ગયા હતા. ભૂપેન્દ્ર પટેલ અગાઉ તે પૂર્વ સીએમ આનંદીબેન પટેલની પાર્ટી ઓફિસમાં પણ કામ કરી ચૂક્યા છે. પોલીસ અધિકારીઓમાં થતી ચર્ચા મુજબ ધ્રુમિલ પટેલની પીઆઈ અને પીએસઆઈની ટ્રાન્સફર અને પોસ્ટિંગમાં દખલગીરી રહેતી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર તાજેતરમાં એક પીઆઈની આઈપીએસના રીડર તરીકે નિમણૂંક થઈ હતી. એવી ચર્ચા છે કે ધ્રુમિલે સિનિયર પોલીસ અધિકારીને ફોન કરી આ પીઆઈની ટ્રાન્સફર કરવા માટે કહ્યું હતું. એટલું જ નહીં, પોલીસ ઈન્સ્પેક્ટરો મલાઈદાર પોસ્ટિંગ માટે ધ્રુમિલનો જ સંપર્ક કરતા હતા.

હાલમાં જ ૧૭ જેટલા પોલીસ ઈન્સ્પેક્ટરોની ટ્રાન્સફરનો ઓર્ડર આવ્યો હતો. એવું મનાઈ રહ્યું છે કે ધ્રુમિલે વરિષ્ઠ અધિકારીને ફોન કરીને કેટલીક ટ્રાન્સફર રદ કરવા માટે કહ્યું હતું. થોડા દિવસ પહેલા જ ધ્રુમિલે પોતાના જોડિયા દીકરાના બર્થડે પર જોરદાર પાર્ટી આપી હતી. આ ભપકાદાર પાર્ટીમાં કેટલાક અમલદારો, રાજકારણીઓ તેમજ મોટા વેપારીઓએ પણ હાજરી આપી હતી.

આ જ મામલે સ્થાનિક અખબાર નવગુજરાત સમય જણાવે છે કે, ધ્રુમિલ પટેલને હટાવાયા બાદ તેમની કામગીરી સીએમ ઓફિસના ઓએસડી પ્રણવ પારેખને સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સીએમના પીએને ગેરરીતિના આક્ષેપો બાદ તાત્કાલિક અસરથી હટાવાયા હોય તેવી કદાચ આ પહેલી ઘટના છે, જેની સચિવાલયમાં જોરદાર ચર્ચા થઈ રહી છે, એટલું જ નહીં તેનાથી મંત્રીઓના શ્વાસ પણ અદ્ધર થઈ ગયા છે.

(8:09 pm IST)