ગુજરાત
News of Saturday, 21st May 2022

ખાટી મીઠી સ્ટ્રોબેરી સાપુતારાની નવી ઓળખ બની:સહેલાણીઓ માટે નવું પર્યટક સ્થળ બન્યું

મહારાષ્ટ્રથી સ્ટ્રોબેરીના છોડ માટેના રનર્સ લેવા ખેડૂતો સાપુતારા આવે છે

સાપુતારા : સ્ટ્રોબેરીની ખેતી મહારાષ્ટ્રના મહાબળેશ્વર અને અન્ય ખીણવાળા વિસ્તારોમાં થતી હોય છે. અત્યાર સુધી મહાબળેશ્વરની માનીતી એવી આ ખાટી મીઠી સ્ટ્રોબેરી હવે ગુજરાતના સાપુતારા ની પણ ઓળખ બની ગઇ છે.

ડાંગ ના આદીવાસી ખેડૂતો હવે પરંપરાગત ખેતીની સાથે સાથે સિઝનલ પાક એવા સ્ટ્રોબેરીની ખેતી કરીને સારી આવક મેળવતા થયા છે. ખાસ કરીને ભેજવાળી અને ઠંડી આબોહવામાં પાકતી સ્ટ્રોબેરીને સાપુતારાની તળેટીવાળા વિસ્તારોમાં અનૂકુળ વાતાવરણ મળી રહેતા અહીંના ખેડૂતો ઓક્ટોમ્બર માસથી મે મહિના સુધી સ્ટ્રોબેરીની ખેતી કરી સારી આવક મેળવતા થયા છે.

સાપુતારામાં કુદરતી સૌંદર્ય નિહાળવા આવતા લોકો હવે સ્ટ્રોબેરીને પણ સાપુતારાની ઓળખ ગણાવે છે. એટલે જ આજે ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને મહાબળેશ્વરના બજારમાં પણ સાપુતારાની સ્ટ્રોબેરીની માંગ વધી છે. અત્યારસુધી ડાંગના ખેડૂતો ટામેટા અને ડાંગર જેવી પરંપરાગત ખેતી જ કરતા હતા.

 

સ્ટ્રોબેરીના ચાહકોને કદાચ ખબર નહીં હોય પણ એક સમાન લાગતી સ્ટ્રોબેરી ચાર પ્રકારની હોય છે. જેમાં અણીદાર મોટી સ્ટ્રોબેરી રાની નામથી ઓળખાય છે, જે ખાવામાં મીઠી લાગે છે. આવી જ અણીદાર અને મોટી ભરાવદાર પણ માથેથી જરા વળી ગયેલી સ્ટ્રોબેરી સ્વીટ ચાર્લીના નામે ઓળખાય છે. જે ખાવામા રાની કરતા પણ ખૂબ મીઠી હોય છે. આ બંને સ્ટ્રોબેરી કરતા થોડી ખટાસ વાળું સ્ટ્રોબેરીનું ફળ સેલવા અને ચાલનાર તરીકે ઓળખાય છે, જે ઉપરથી પંખા આકાર કે ચપટુ લાગે છે.

ડાંગના ગરીબ ખેડૂતોનો રોકડિયા પાક તરફ વાળવા ડાંગના બાગાયત વિભાગે ખૂબ મહેનત કરી છે. છેલ્લા 19 વર્ષની મહેનત બાદ હવે ડાંગના ખેડૂતો આ પાકથી ખૂબ મોટી આવક મેળવતા થયા છે.

બાગયાત અધિકારીના જણાવ્યા મુજબ સ્ટ્રોબેરીના પાક માટે રનર્સની જરુર હોય છે, જે માટે ડાંગની આબોહવા મહાબળેશ્વર કરતા પણ ખૂબ અનૂકુળ રહેતા મહારાષ્ટ્રથી સ્ટ્રોબેરીના છોડ માટેના રનર્સ લેવા ખેડૂતો સાપુતારા આવે છે. જેનાથી અહીંના આદીવાસી ખેડૂતોને ખૂબ સારી આવક મળી રહે છે.

ગુજરાતનુ એકમાત્ર ગીરીમથક સાપુતારા અત્યારસુધી હવાખાવાનું સ્થળ તરીકે જાણીતુ હતું પરંતુ અહીંના આદીવાસી ખેડૂતોની મહેનતથી આજે આ વિસ્તરામાં પાકતી સ્ટ્રોબીરી પણ સપુતારાની ઓળખ બની ગઇ છે. અહીંના સ્ટ્રોબેરીના ખેતરો હવે સાપુતારા આવતા સહેલાણીઓ માટે નવું પર્યટક સ્થળ બની ગયા છે.

(6:50 pm IST)