ગુજરાત
News of Saturday, 21st May 2022

વિદ્યાનગરમાં અજાણ્યા ગઠિયાએ કેવાયસી અપડેટ કરવાના બહાને તબિબ તથા તેમની પત્ની સાથે 6.94 લાખથી વધુની છેતરપિંડી આચરતા પોલીસ ફરિયાદ

આણંદ : વિદ્યાનગરના એક તબીબ સાયબર ક્રાઈમના શિકાર બન્યા હોવાના બનાવે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચાવી છે. કોઈ અજાણ્યા ગઠીયાએે કેવાયસી અપડેટ કરવાના બહાને તબીબ તથા તેમના પત્નીને ૬.૯૪ લાખ ઉપરાંતની રકમનો ચૂનો ચોપડયો હોવા અંગે આણંદ સાયબર ક્રાઈમ પોલીસ દફતરે ફરિયાદ નોંધાવા પામી છે. વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વિદ્યાનગરના સરદાર સ્ટેચ્યુ નજીક લખુભાઈ એસ્ટેટની બાજુમાં રહેતા અપૂર્વ અશોકભાઈ પટેલ વ્યવસાયે તબીબ છે. ગત તા.૧૧મી મેના રોજ સાંજના સુમારે તેઓ આણંદની એક ખાનગી હોસ્પિટલમાં હાજર હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સે તેઓના મોબાઈલ ફોન ઉપર કોલ કર્યો હતો અને મોબાઇલ કંપનીમાંથી બોલુ છું, તમારું કેવાયસી અપડેટ કરવાનું છે તેમ કહેતા અપૂર્વભાઈએ મારી અનુકૂળતાએ સ્ટોરમાં જઈ અપડેટ કરાવી લઈશ તેમ જણાવ્યું હતું. જો કે ગઠીયાએ અત્યારે અપડેટ નહીં કરાવો તો તમારું કાર્ડ બંધ થઈ જશે તમ કહી તબીબને વાતોમાં ભોળવ્યા હતા. ત્યારબાદ અજાણ્યા શખ્સે એપ સ્ટોરમાંથી ક્લીક સ્ટોર એપ્લીકેશન ડાઉનલોડ કરવાનું કહ્યું હતું. અજાણ્યા ગઠીયાની વાતોમાં આવી ગયેલ તબીબે આ એપ્લીકેશન ડાઉનલોડ કરી હતી અને ગઠીયાના કહેવા મુજબની પ્રોસીજર કર્યા બાદ કેવાયસી અપડેટ માટેની વીસ રૂ. ફી નેટબેંકિંગ દ્વારા ચૂકતે કરી હતી. જો કે ટ્રાન્ઝેક્શન ફેઈલ થતા ગઠીયાએ આઈફોનના બદલે અન્ય ફોનથી અપડેટ કરવાનું કહેતા અપૂર્વભાઈએ પોતાના પુત્રના ફોનથી વિગતો મોકલી ઓનલાઈન ફી રૂા. વીસ ભરી દીધી હતી. બાદમાં ગઠીયાએ ફોન ચાલુ રખાવી થોડી વારમાં કેવાયસી અપડેટ થઈ જશે તેમ કહી તબીબ તથા તેઓના પત્નીના ખાનગી બેંકના ખાતામાંથી અલગ-અલગ સાત જેટલા ટ્રાન્ઝેક્શન કરી રૂા. ૬,૯૪,૯૬૦ સેરવી લીધા હતા. બીજી  તરફ તબીબે પોતાનું બેંક એકાઉન્ટ ચેક કરતા આ રકમ વિડ્રો થઈ હોવાનું માલૂમ પડતા કેવાયસી અપડેટની કાગીરી દરમ્યાન પોતે આબાદ રીતે છેતરાયા હોવાનું જાણ થતા તેઓએ તુરત જ આણંદ સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કર્યો હતો. સાઈબર ક્રાઈમ પોલીસે અપૂર્વ અશોકભાઈ પટેલની ફરિયાદના આધારે અજાણ્યા ગઠીયા વિરુધ્ધ વિશ્વાસઘાત અને છેતરપીંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(6:15 pm IST)