ગુજરાત
News of Saturday, 21st May 2022

કઠલાલ તાલુકાના છીપીયાલમાં એક મકાન પર એસ.ઓ.જીએ દરોડા પાડી પ્લાસ્ટિકની ડોલમાં સંતાડેલ 4.70 કિલો ગાંજાનો જથ્થો ઝડપવામાં આવ્યો

નડિયાદ : કઠલાલ તાલુકાના ભોઈની મુવાડી તાબે છીપીયાલ ખાતે એક મકાન પર એસ.ઓ.જી. પોલીસે દરોડો પાડી ઘરમાં પ્લાસ્ટીકની ડોલમાં સંતાડેલો ૪.૭૧૦ કી.ગ્રા. ગાંજો કિંમત રૂ.૪૭,૧૦૦ નો જથ્થો ઝડપી પાડયો હતો. આ સંદર્ભે પોલીસ મકાનમાલિકની અટકાયત કરી પૂછપરછ કરતા આ ગાંજો દાહોદ જિલ્લાના દેવગઢ બારીયાના સાલીયા ગુણાના શખ્સ પાસેથી લાવ્યો હોવાની કબૂલાત કરી હતી. આ બનાવ સંદર્ભે કઠલાલ પોલીસે બે શખ્સ વિરુદ્ધ નાર્કોટિક્સ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખેડા જિલ્લા એસ.ઓ.જી. પો.સ.ઈ જે.એમ. પટેલને બાતમી મળેલી કે કઠલાલ તાલુકાના ભોઈની મુવાડી તાબે છીપીયાલ ખાતે રણછોડભાઈ જેનાજી સોલંકી (મૂળ રહે, કુંજાળ ગામ મોટો વાસ તા.દસ્ક્રોઇ જી.અમદાવાદ) નાઓના મકાનમાં ગાંજાનો જથ્થો સંતાડેલો છે અને તેનું છૂટક વેચાણ કરે છે. જે બાતમી આધારે એસ.ઓ.જી. પોલીસે ભોઈની મુવાડી ખાતે રણછોડજી સોલંકીના મકાન પર દરોડો પાડી તેને ઝડપી પાડયો હતો. પોલીસે તેના ઘરની તલાશી લેતા એક પ્લાસ્ટિકની ડોલમાં સંતાડેલો ૪.૭૧૦ કી.ગ્રા. ગાંજાનો જથ્થો  કિંમત રૂ. ૪૭,૧૦૦ નો મળી આવ્યો હતો. પોલીસે તેની બાજુમાંથી ઇલેક્ટ્રોનિક કોમ્પેક્ટ સ્કેલ કિ. રૂ.૨૦૦ તથા મોબાઇલ ફોન કિ. રૂ. ૫૦૦ મળી કુલ રૂ. ૪૭,૮૦૦ મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે રણછોડ સોલંકીની પૂછપરછ કરતા તે જથ્થો દેવગઢ બારીયાના સાલીયા ગુણા પટેલ ફળિયામાં રહેતા અર્જુનભાઈ નરવતભાઈ બારીયા પાસેથી લાવેલ હોવાની કબૂલાત કરી હતી. આ બનાવ સંદર્ભે એસ.ઓ.જી. પોલીસે ફરિયાદના આધારે કઠલાલ પોલીસે રણછોડભાઈ સોલંકી તથા અર્જુનભાઈ બારીયા વિરુદ્ધ નાર્કોટિક્સ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(6:13 pm IST)