ગુજરાત
News of Saturday, 21st May 2022

આણંદના 80 ફુટ રોડ પર વ્‍હેલ માછલીની ઉલ્‍ટીમાં નીકળેલ પદાર્થ ‘અંબર ગ્રીસ' વેચવા આવેલા 6 શખ્‍સોને ઝડપી લેતી એસઓજી પોલીસ

936 ગ્રામ અંબર ગ્રીસ, ચાર મોબાઇલ, કાર સહિત 76.26 લાખનો મુદ્દામાલ કઝબે કરતી પોલીસ

આણંદઃ વ્‍હેલ માછલીના આંતરડામાં બનતો પદાર્થ અંબર ગ્રીસ ઉલ્‍ટી દ્વારા બહાર નીકળતા આણંદના 80 ફુટ રોડ પર 6 શખ્‍સોને બાતમીના આધારે એસઓજી પોલીસે 936 ગ્રામ અંબર ગ્રીસ જેની બજાર કિંમત 76.26 લાખનો મુદ્દામાલ ઝડપી લઇ ગુન્‍હો નોંધી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

શહેરમાં 80 ફૂટ રોડ પરથી પોલીસે વ્હેલ માછલીની ઉલ્ટીમાં નીકળેલી 73.30 લાખની કિંમતની  અંબર ગ્રીસ પદાર્થ  વેચવા નીકળેલી ટોળકીને એસઓજી પોલીસે ઝડપી પાડી તેઓની વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આણંદની એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, વ્હેલ માછલીની ઉલ્ટીમાં નીકળેલ પદાર્થ અંબરગ્રીસ લઈને કેટલાક શખ્સો વેચવા માટે આણંદ શહેરમાં 80 ફૂટ રોડ પર ફરી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે પ્રાપ્તિ સર્કલ પાસે છાપો મારી કારમાં બેઠેલા 6 શખ્સોને ઝડપી પાડી કારની તપાસ કરતા કારમાંથી પ્લાસ્ટિકની કોથળીમાં મુકેલા અંબરગ્રીસના 936 ગ્રામના બે ટુકડાઓ મળી આવ્યા હતા.

પોલીસે કારમાંથી અંબરગ્રીસ સાથે ઝડપાયેલા વડોદરાનાં ગીરીશભાઈ ચંદુભાઈ ગાંધી, વિક્રમભાઈ ધીરેન્દ્રભાઈ પાટડીયા, મીત જયેશભાઈ ગાંધી, મીત નીલકમલભાઈ વ્યાસ, બોરીયાવીનાં ધ્રુવિલકુમાર ઉર્ફે કાળીયો રમેશભાઈ પટેલ અને ખંભાતનાં જહુરભાઈ અબ્દે રહેમાન મંસુરીની ઘરપકડ કરી તેઓની પાસેથી મળેલું અંબર ગ્રીસ તેઓ ક્યાંથી લાવ્યા તેની પૂછપરછ કરતા તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. પોલીસે જણાવ્યું કે, ટોળકી પાસેથી મળેલી 936 ગ્રામ અંબર ગ્રીસ કે જે સામાન્ય રીતે વ્હેલની ઉલટી તરીકે ઓળખાય છે. અને બજારમાં તેની કિંમત 73.60 લાખની છે. પોલીસે તેઓની પાસેથી ચાર મોબાઈલ ફોન અને અંબર ગ્રીસનો જથ્થો મળી કુલ 76.26 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

વ્હેલ માછલીના આંતરડામાં બનતો આ પદાર્થ વ્હેલ માછલી ઉલ્ટી કરે એટલે બહાર નીકળી જાય છે. તેને તરતા સોના તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉલ્ટીનો ઉપયોગ દવાઓ, અત્તર અને પરફ્યુમ બનાવવા માટે થાય છે. લાંબા સમય સુધી પરફ્યુમ તેમજ અત્તરની સુગંધ આ વ્હેલ માછલીની ઉલ્ટીને કારણે જ રહેવા પામે છે. જેથી તેની કિંમત અનેક ગણી હોય છે. એક કિલો વ્હેલ માછલીની કિંમત એક કરોડ ઉપરાંતની બોલાઈ રહી છે. હવે આ સમગ્ર મામલો ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યો છે ત્યારે આ સમગ્ર પ્રકરણમાં વધુ કેવા ફણગા ફુટવા પામે છે તે જોવું રહ્યું.

(5:12 pm IST)