ગુજરાત
News of Saturday, 21st May 2022

હાર્દિક પટેલ... તમે ભાજપના કયા મોઢે વખાણ કરો છો...?

ભાજપે તમને (હાર્દિક પટેલ) જાતિવાદી, દેશદ્રોહી અને ખરતો તારો કીધુ હતું: ભાજપને પાડી દેવાની જે પ્રતિજ્ઞા લીધી તે કાયમ રાખશો : એક સમયે હાર્દિકના પાટીદાર અનામત આંદોલનના સંઘર્ષના સાથી રહેલ પૂર્વ પાસ લીડર રેશ્મા પટેલનો હાર્દિક પટેલને પત્રઃ મોટી બહેન તરીકે ભાજપના કડવા અનુભવથી સાવચેત કરવા માગુ છું

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૧: કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દેનાર યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલને પૂર્વ 'પાસ' લીડર અને એનસીપીના નેતા રેશ્મા  પટેલે પત્ર પાઠવીને પત્રમાં હાર્દિક પટેલ તમે ભાજપના કયા મોઢે વખાણ કરો છો...? તે પ્રશ્ન કરીને જણાવેલ કે મોટી બહેન તરીકે ભાજપના કડવા અનુભવથી સાવચેત કરવા માંગુ છું. ભાજપે તમને (હાર્દિક પટેલ) જાતીવાદી દેશદ્રોહી અને ખરતો તારો કીધુ હતું. ભાજપને પાડી દેવાની જે પ્રતિજ્ઞા લીધી તે કાયમ રાખશો તેમ નેતા રેશ્મા પટેલે પત્રમાં જણાવ્યું છે.

પૂર્વ પાસ લીડર અને એનસીપી નેતા રેશ્મા પટેલે હાર્દિક પટેલ ને લખેલા પત્રમાં જણાવ્યુ છે કે, જય શ્રી રામ સાથે.....  હું રેશ્મા પટેલ આંદોલનના સાથી ભાઈ-બહેનના સંબંધ અને પાટીદાર અનામત આંદોલનના સંઘર્ષના સાથી રહેલા છીએ  આ કારણથી....મોટી બહેન  તરીકે હું તમારા ધ્યાનમાં કેટલાક અમારા ભાજપ સાથે ના કડવા અનુભવથી તમને સાવચેત કરવા માંગુ છું.

તમે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું એ વાત નું દુઃખ ખુબજ થયું પણ, વધારે દુઃખ એ છે કે તમે સોનિયા ગાંધીને લખેલા પત્રમાં અને તમારી ભાષામાં ભાજપના દંભી કાર્યના ભરપૂર વખાણ કર્યા છે. હાર્દિક ભાઈ તમે તો ભાજપ ની છઠ્ઠી જાણો જ છો અને ભાજપના ખોટા કાર્યોને આપણે તો જાહેરમાં ખુલ્લા પાડ્યા છે ભાજપને લીધે આપણા ભાઈઓએ જીવ ગુમાવ્યા છે. તેમ રેશ્મા પટેલે પત્રમાં જણાવેલ છે.

અમે ભાજપમાં જોડાયા ત્યારે તમને તો ખુબજ ખોટું લાગ્યું હતું અને તમે તો વાકબાણથી અમારા ઉપર ખુબજ પ્રહાર કર્યા હતા. આજે એજ ભાજપ છે ભાઈતો  એ ભાજપના વખાણ કયા મોઢે કરો છો?

હું તમને સલાહ એટલે આપું છું કે અમે આ ભ્રષ્ટ-જુઠ્ઠી ભાજપમાં આટો મારી ને પાછા આવ્યા છીએ, અમને પણ ૨૦૧૭ માં સરકાર અને સમાજની મિટિંગ પછી સમાજની માંગણીઓ પુરી કરશુ એવું કહી ને ભાજપ પગ પકડીને આજીજી કરી ને લઇ ગયું હતું પણ હજુ સુધી એ માંગણીઓ તો બાકી જ છે એનું શુ કરીશું ?? માંગણીઓની લેખિતમાં ફાઈલ મેં ખુદ મારા હાથે જ ભાજપ સરકારને સોંપેલી છે. શહીદ ભાઈઓના પરિવારને ભાજપ સરકાર સાથે મુલાકાતો કરાવેલી છે. બીજા ઘણા લોકોએ રજુઆત કરેલી છે છતાં પણ આજ માંગણીઓ અધૂરી છે એ યાદ અપાવું છું.

આવી ખોટી, ઢોંગી અને દંભી ભાજપના કડવા અનુભવના કારણે મારા ભાઈ તમને સલાહ આપીશ કે  જીવનમાં દરેક અનુભવ જાતે ના કરવાના હોય, બીજાના અનુભવ પરથી શીખ લેવાની હોય એટલા માટે ભાજપનાં કડવા અનુભવ મે તમને જણાવ્યા  છે, સાથે સાથે યાદ અપાવીશ કે સમાજની માંગણીઓને આજ પણ લટકાવીને રાખવાવાળી આજ ભાજપે તમને જાતિવાદી, દેશદ્રોહી, ખરતો તારો  કીધું હતું એ યાદ રાખજો અને ભાજપને પાડી દેવાની જે પ્રતિજ્ઞા લીધી હતી એના ઉપર તમે કાયમ રહેશો એવી આશા રાખું છું. તેમ રેશ્મા પટેલે જણાવેલ છે.

હાર્દિક પટેલને પત્રમાં રેશ્મા પટેલે જણાવેલ કે મારી સલાહ છે કે અમે જે ભૂતકાળમાં ભાજપ ઉપર વિશ્વાસ કરવાની ભૂલ કરી એ ભૂલ તમે ના કરતા. તમારા પત્રમાં અને તમારી ભાષા માં ભાજપ માટે ની પ્રીત છલકાય રહી છે પણ ભાજપની બેવફાઈ યાદ રાખજો અને અમારા અનુભવમાંથી શીખ લેજો. જય હિન્દ  ભારત માતા કી જય  વંદે માતરમ્

તમારી સંઘર્ષની સાથી બહેન  રેશ્મા પટેલના જય શ્રી રામ(મો. ૭૬૦૦૮ ૪૭૫૭૧,૭૯૯૦૩૫૨૧૫૬) 

(12:10 pm IST)