ગુજરાત
News of Tuesday, 21st March 2023

સાગબારામા 6 વર્ષીય બાળકી પર જાતીય દુષ્કર્મ આચરનાર નરાધમ યુવાનને 20 વર્ષની કેદની સજા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લાના અંતરિયાળ સાગબારાના નાલ ગામે 6 વર્ષીય બાળકી પર જાતીય દુષ્કર્મ આચરનાર નરાધમ યુવાનને કોર્ટે 20 વર્ષની કેદ અને 25 હજારનો દંડ કરતો ચુકાદો આપ્યો છે.અત્રે એ ઉલ્લેખનિય છે કે આરોપી અક્ષયના લગ્ન થયા બાદ એની પત્ની છેલ્લાં ઘણા સમયથી એના પિયરમાં રહે છે.

ગત 19/08/2019 ના રોજ શ્રાવણ માસનો સોમવાર હોવાથી શાળા સવારની હતી.જેથી સાગબારાના નાલ ગામે રહેતી 6 વર્ષીય બાળકી એના નાના ભાઈ સાથે શાળાએ જઈ ઘરે પરત ફરી હતી.બાળકીના માતા- પિતા ખેતરે ગયા હતા જેથી બાળકી અન્ય નાના બાળ મિત્રો સાથે ઘર નજીક રમી રહી હતી.એ દરમિયાન બપોરે 2 વાગ્યાની આસપાસ નજીકમાં જ રહેતો અક્ષય ગીજાભાઈ વસાવા ત્યાં આવ્યો અને બાળકીને લાલચ આપી કે ચાલ તને મોબાઈલમાં પિકચર બતાવીશ.પણ એ બાળકી એની વાત માની નહિ જેથી અક્ષય એ બાળકીને એની મરજી વિરૂદ્ધ બાવડું પકડી એના ઘર તરફ લઈ ગયો હતો.
દરમીયાન એ બાળકીએ મોટેથી બુમ પાડતા બાળ મિત્રો ત્યાં દોડી આવ્યા હતા.અને ઘરની ભીંતના છીંડા માંથી જોતા અક્ષય એ બાળકી સાથે જાતીય અડપલાં કરી રહ્યો હોવાનુ એમણે જોયું હતું, બાળકીએ બુમાં બુમ કરતા અક્ષય ત્યાંથી ભાગી છૂટ્યો હતો.પીડીત બાળકીએ આ સમગ્ર ઘટના બાબતે પોતાની માતા અને પિતાને ફરિયાદ કર્યા બાદ એમણે અક્ષય વિરુદ્ધ જાતીય દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.આ કેસ રાજપીપળાની એડી.સેશન્સ કોર્ટના જજ એન.એસ. સિદ્દીકીની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહીલની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટ અક્ષયને 20 વર્ષની કેદ અને 25 હજારના દંડની સજા ફટકારી છે

(11:08 pm IST)