ગુજરાત
News of Thursday, 21st January 2021

૧ર લાખ મેટ્રીક ટનથી વધુ ચણા પાકશેઃ ૧.૬૦ લાખ મેટ્રીક ટન ખરીદવાની મંજુરીઃ ૧ ફેબ્રુઆરીથી નોંધણી

રાજય સરકારે ૩.ર૬ લાખ ટન ટેકાના ભાવે સેવા મંજુરી માંગેલ, વધારાની મંજુરી માટે ફરી રજુઆતઃ તુવેર માટે ૧૦૪૧પ ખેડુતોએ નોંધણી કરાવીઃ રાયડાની નોંધણી પણ ફેબ્રુઆરીથી

રાજકોટ, તા., ર૧: રાજય સરકાર દ્વારા ટેકાના ભાવે તુવેરની ખરીદી માટે ઓનલાઇન ખેડુતોની નોંધણી ચાલુ છે. ચણા અને રાયડા માટે તા.૧ થી ૧પ ફેબ્રુઆરી નો઼ધણી અને ૧૬ ફેબ્રુઆરીથી ખરીદી શરૂ થશે.

જાણવા મળ્યા મુજબ આ  વર્ષે ચણાનું વિક્રમજનક ૧ર લાખ મેટ્રીક ટન વધુ ઉત્પાદન થવાનો અંદાજ છે.  કેન્દ્ર સરકાર કુલ ઉત્પાદનના રપ ટકા સુધી ટેકાના ભાવે ખરીદીની મંજુરી આપી છે.  તે મુજબ સવા ત્રણ લાખ મેટ્રીક ટન ચણા ખરીદવા માટે ગુજરાત સરકારે મંજુરી માંગેલ. તેમાંથી માત્ર ૧.૬૦ લાખ મેટ્રીક ટન ખરીદવા મંજુરી મળી છે. રાજય સરકારે વધુની મંજુરી માટે નવેસરથી પત્ર વ્યવહાર શરૂ કરેલ છે. કુલ મંજુરીની ખરીદી અને નોંધાનાર ખેડુતોના આંકડાના આધારે ખેડુત દીઠ ખરીદીનો જથ્થો નક્કી થશે. પ્રત્યેક ખેડુત પાસેથી ૧પ૦૦ થી ર૦૦૦ કિલો ચણા ટેકાના ભાવે સરકાર ખરીદે તેવો અત્યારનો અંદાજ છે. ટેકાના ભાવ મણના રૂ. પ૧૦૦ છે. આ વર્ષે ચણાનું વાવેતર જોતા ઉત્પાદન વિક્રમ જનક થશે. ચણાની ખરીદી ૧૬ ફેબ્રુઆરીથી ૧૬ મે સુધી થશે.

રાયડા માટે નોંધણી ૧ થી ૧પ ફેબ્રુઆરી સુધી થશે અને ખરીદી ૧૬ ફેબ્રુઆરીથી ૧૬ મે  સુધી થશે. .તુવેરની ખરીદી માટે ૧પ થી ૩૧ જાન્યુઆરી સુધી નોંધણી ચાલુ છે. આજ સુધીમાં ૧૦,૪૧પ ખેડુતોએ નોંધણી કરાવી છે. ખરીદી ૧ લી ફેબ્રુઆરીથી ૧ લી મે સુધી થશે.

(3:51 pm IST)