ગુજરાત
News of Thursday, 21st January 2021

ગુજરાતમાં ૪ કરોડ લોકોને આયુષ્કમાન કાર્ડ અપાયા, નિઃશુલ્ક સારી સારવાર સરકારનો ધ્યેય : નિતીન પટેલ

ગાંધીનગરના કલોલ ખાતે નવનિર્મિત સામુહિક આરોગ્ય કેન્દ્રનું નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલના હસ્તે લોકાર્પણ કરાયેલ તે  પ્રસંગની તસ્વીર

ગાંધીનગર,તા.૨૧ : રાજય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રૂ.૨૬૦ લાખના ખર્ચે નિર્માણ પામેલ સામુહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરતાં રાજયના આરોગ્ય મંત્રીશ્રી નિતિનભાઇ પટેલે જણાવ્યું કે, રાજયના નાગરિકોને ગુણવત્તાલક્ષી વિનામૂલ્યે આરોગ્યલક્ષી સારવાર પુરી પાડવી એ અમારી સરકારની પ્રાથમિકતા છે અને રહેશે. એટલા જ માટે રાજય ભરના ખાનગી નિષ્ણાંત તબિબોની સેવાઓ લઇને સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને વિનામૂલ્યે શ્રેષ્ઠ સેવાઓ આપી રહ્યાં છીએ. સ્થાનિક કક્ષાએ કલેકટરોને અધિકાર આપી રાજયના નિષ્ણાંત તબિબોની સેવાઓ સી.એમ.સેતુ યોજના દ્વારા માનદવેતનથી લઇ રહ્યાં છીએ. 

રાશનકાર્ડ જેટલું જ મહત્વનું મા –વાત્સલ્ય કાર્ડ માનવીય સેવાઓ માટે નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કર્યું હતું. જેમાં રાજયના ગરીબ દર્દીઓને રૂ.૩.૦૦ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે અપાતી હતી. એ રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આગળ વધારીને આ યોજના હેઠળ રૂ.૫.૦૦ લાખની મર્યાદા કરી છે. અને એ જ યોજનાને વડા પ્રધાનશ્રીએ આજે દેશ ભરમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય દ્વારા અમલી બનાવી છે જે હેઠળ પણ રૂ.૫.૦૦ લાખની સારવાર વિનામૂલ્યે અપાય છે. જે અંતર્ગત રાજયના ૪ કરોડ લોકોને આયુષ્યમાન કાર્ડ અપાયા છે. આ યોજના હેઠળ ગત વર્ષે રૂ.૯૦૦ કરોડની સારવાર રાજયના નાગરિકોએ મેળવી છે. જે ભૂતકાળમાં લોકોને દેવા કરીને કરવી પડતી હતી. આજે એ સમસ્યાઓ અમારી સરકારે દૂર કરીને હ્રદય, કીડની, કેન્સર જેવા ગંભીર રોગોની સારવાર પણ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી રહી છે.

આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે ગરીબ દર્દીઓને સર્વ મંગલસાધના ટ્રસ્ટ દ્વારા અપાયેલ રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિભાગીય વડા અને નાયબ નિયામક, (આરોગ્ય) શ્રીમતી મીનાબેન વડાલિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી મનુભાઇ સોલંકીએ સામૂહિક આરોગ્ય કેન્દ્રની માહિતી આપતાં જણાવ્યું કે કુલ ૧૭૬૪ ચો.મી.ના બે માળના બાંધકામમાં ભોંયતળીયે ઇમરજન્સી રૂમ, ૬ જનરલ ઓપિડી, ૮ બેડનો  હિમોડાયાલીસીશ વોર્ડ, એકસરે રૂમ, લેબોરેટરી, લેબર રૂમ, મેડિકલ રજીસ્ટ્રેશન રૂમ, આઇ.સી.ટી.સી.રૂમ, અધિક્ષક રૂમ, ૨ સ્પેશ્યાલીસ્ટ રૂમ, સર્વમંગલ સાધના ટ્રસ્ટ રૂમ જયારે પ્રથમ માળે ૩૦ બેડના મેલ- ફીમેલ વોર્ડ, આઇસોલેશન વોર્ડ, ઓપરેશન રૂમ, ચાર બેડના સેમી સ્પેશ્યાલીસ્ટ રૂમ, ૨ સ્પેશીયલ રૂમ, મેડીકલ સ્ટોર અને ઓફીસ રૂમ સાથે ૨૪*૭  પાણીની સગવડ ઉપલબ્ધ છે.  આ પ્રસંગે ધારાસભ્યશ્રી બળદેવભાઇ ઠાકોર, જિલ્લા ભાજપ પ્રમુખ નૈલેષભાઇ શાહ, જિલ્લા ભાજપ સંગઠનના સભ્યો,કલોલ નગરપાલિકાના પૂર્વ  પ્રમુખો, સ્થાનિક પદાધિકારીઓ, કલોલ પ્રાંત અધિકારી શ્રી એ.ડી. જોષી, નગરજનો તેમજ આરોગ્ય વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતા.

(11:48 am IST)