ગુજરાત
News of Wednesday, 20th October 2021

વડોદરાના હવાલાકાંડ અને ધર્માંતરણ કેસમાં વળાંકઃ મૌલાના ઉમર ગૌતમે દોઢ વર્ષમાં 10 દિવ્‍યાંગોને હિન્‍દુમાંથી ધર્મ પરિવર્તન કરાવીને મુસ્‍લિમ બનાવ્‍યાનું ખુલ્‍યુ

અત્‍યાર સુધીમાં 1 હજારથી વધુનું ધર્મ પરિવર્તન કરાવ્‍યુઃ વિદેશથી મોટા પ્રમાણમાં ફંડ આવતુ

Photo: 04

વડોદરા: વડોદરામાં હવાલાકાંડ અને ધર્માંતરણ કેસનો મામલામાં એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યાં છે. આરોપીઓને સાથે રાખી એસઆઈટીની ટીમ તપાસ કરી રહી છે. ત્યારે મૌલાના ઉમર ગૌતમે દોઢ વર્ષમાં 10 મૂકબધિરોને હિન્દુમાંથી મુસ્લિમ બનાવ્યા હોવાનું બહાર આવ્યું છે. તે મુસ્લિમ બનેલા લોકોના અનુભવનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર મૂકતો હતો. એટલુ જ નહિ, સલાઉદ્દીનને વિદેશમાંથી પણ મોટા પ્રમાણમાં ફંડ આવતુ હતું.

સલાઉદ્દીને 1000 થી વધુનુ ધર્મપરિવર્તન કરાવ્યું

પોલીસ પૂછપરછમાં ઉમર ગૌતમે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. તેણે જણાવ્યું કે, ઉમર ગૌતમે છેલ્લા દોઢ વર્ષમાં યુપીમાં અંદાજે 10થી વધુ બહેરા મુંગા લોકોનું ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. ધર્મપરિવર્તન માટે તેની સાથે 10 લોકોની ટીમ હતી. જેમાં ત્રણ મહિલાઓ પણ સામેલ હતી. જરૂરિયાતમંદ લોકોને લાલચ આપીને તેઓને મુસ્લિમ ધર્મ જ શ્રેષ્ઠ છે તેવુ કહેવાતુ હતું. આ રીતે ભોળા અને ગરીબ લોકોને છેતરીને ધર્મ પરિવર્તન કરાવાતુ હતું. જોકે, આ આંકડો 1000 થી વધુ છે. ઉમર ગૌતમે યુપીમાં 1 હજારથી વધુ લોકોનું ધર્મ પરિવર્તન કરાવ્યું હોવાનું અગાઇ યુપી પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું.

ઉમર ગૌતમ અને સલાઉદ્દીન શેખની અલગ અલગ મુદ્દા પર પુછપરછ કરાઇ રહી છે. જોકે, સલાઉદ્દીને ગુજરાતમાં ધર્માતરણ કરાવ્યુ હોવાનો ઈન્કાર કર્યો હતો. સલાઉદ્દીન ઉમર ગૌતમના ધર્માંતરણના કાર્ય માટે ફન્ડિંગ કરતો હતો.

ફન્ડિંગમાં પણ મોટો ખુલાસો

સલાઉદીન શેખે જમ્મુ કાશ્મીર, માલદા, માલેગાંવ, નેપાળ બોર્ડર અને આસામમાં કરોડોનુ ફંડ આપ્યુ હોવાનુ પણ તપાસમા બહાર આવ્યુ છે. ઉમર ગૌતમ અને સલાઉદ્દીન બંને સેવાકીય પ્રવૃત્તિના નામે ભંડોળ એકઠુ કરતા હતા. તેમણે કરોડોની રકમ મેળવી હતી. આ રકમથી તેઓએ ભુજ બોર્ડર, નેપાળ બોર્ડર, માલદા બોર્ડર, આસામ, બિહાર અને બાડમેર બોર્ડર પર મસ્જિદો બનાવી હતી. રોહિંગ્યાઓ પર બંને દયાભાવના રાખીને તેઓને તમામ મદદ પહોંચાડતા હતા.

ઝાકીર નાઈકથી પ્રભાવિત હતો સલાઉદ્દીન

સલાઉદ્દીન મુસ્લિમ ઉપદેશક ઝાકીર નાઈકથી વધુ પ્રભાવિત હતો. તેના કાર્યક્રમમાં હાજરી આપવા માટે મુંબઈ પણ ગયો હતો. મુંબઈના સાયણમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઝાકીર નાઈકનું વકતવ્ય યોજાયુ હતું. જેનાથી સલાઉદ્દીન વધુ પ્રભાવિત થયો હતો. 

(4:22 pm IST)