ગુજરાત
News of Tuesday, 20th October 2020

રેવન્યુ રેકોર્ડમાં ગોલમાલના દિલજીતસિંહ દ્વારા આક્ષેપ

વડોદરાના રાજવી પરિવારની મિલ્કતનો વિવાદ ગરમાયો : રાજવી પરિવારના વારસદારો દ્વારા ૧ લાખ કરોડનો દાવો દાખલ કરી મિલકતોના ૫૦ ટકા હિસ્સાની કોર્ટમાં માગ

વડોદરા, તા. ૨૦ : વડોદરાના રાજવી ગાયકવાડ પરિવારની અબજો રૂપિયાની સ્થાવર- જંગમ મિલકતનો વિવાદ ફરી ગરમાયો છે. વડોદરાના મૂળ રાજવીના પરિવારના વારસદારોએ તાજેતરમાં કોર્ટમાં ૧ લાખ કરોડ રૂપિયાનો દાવો દાખલ કરી મિલકતોના ૫૦ ટકા હિસ્સાની માગણી કરી છે. આમ તો સયાજી ઘરાનાની કરોડોની સંપત્તિને લઇને ભાઇઓ વચ્ચે વર્ષોથી વિવાદ બાદ વર્ષ ૨૦૧૩માં સમાધાન થયું હતું. એ પ્રમાણે પ્રોપર્ટીની વહેંચણી પણ થઇ ગઇ હતી. જો કે હવે આ વહેંચણી યોગ્ય રીતે ન થઇ હોવાના આક્ષેપ સાથે મામલો કોર્ટમાં પહોંચ્યો છે.

વડોદરાના રાજવી પરિવારની રૂ.૧ લાખ કરોડની મિલકતનો વિવાદમાં રાજવી પરિવારના દિલજીતસિંહ ગાયકવાડે મોટા આરોપ લગાવીને રેવન્યુ રેકર્ડમાં ગોલમાલ કર્યાના આક્ષેપો કરતાં ખળભળાટ મચી જવા પામી છે. દિલજીતસિંહ જણાવ્યું છે કે અમે સીધા વારસદાર તરીકે આજે પણ વારસાથી વંચિત છીએ. પેલેસના જમીન સંપાદનના નાણાં પણ મળ્યા નથી. રેવન્યુ અધિકારીઓ ગાંઠતા ન હોવાનો આરોપ પણ તેમને લગાવ્યો છે. અકોટાની જમીનના રૂપિયા ૭ કરોડ ન મળ્યાનો દાવો પણ પરિવારના દિલજીતસિંહે કર્યો છે. હાલ રાજવી સમરજીતસિંહ ગાયકવાડ દત્તક પુત્ર છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે વડોદરાના રાજવી પરિવારની મિલકતનો વિવાદ હવે જગજાહેર થઈ ગયો છે. રાજમહેલની મિલકતોની માલિકી મામલે આક્ષેપ પ્રતિઆક્ષેપો થઈ રહ્યા છે. રાજવી પરિવારના દિલજીતસિંહ ગાયકવાડે આક્ષેપો લગાવતા જણાવ્યું છે કે, બરોડા સ્ટેટમાં રાજવી પીલાજી રાવ ગાયકવાડ શાસનમાં હતા. તેમના પુત્ર ગોવિંદરાવને બ્રિટિશ શાસનમાં તડીપાર કરાયા હતા. બ્રિટિશ ગવર્મેન્ટ દ્વારા સર સયાજીરાવ ગાયકવાડને દત્તક લેવાયા હતા. જેથી ગાયકવાડ પરિવારના સીધા વારસદાર દિલજીતસિંહ ગાયકવાડ વારસાથી વંચિત રહ્યા છે અને આજે તેમનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. વડોદરાના રાજવી પરિવારની કુલ મિલકત ૧ લાખ કરોડની છે, જે રાજવી પરિવારની છે. દિલજીતસિંહ ગાયકવાડને પેલેસના જમીન સંપાદનના હજુ સુધી નાણાં પણ નથી મળ્યા તેનો ઉલ્લેખ કર્યો છે. હાલ રાજવી સમરજીતસિંહ ગાયકવાડ દત્તક પુત્ર તરીકે છે. દિલજીતસિંહે જણાવ્યું કે અકોટાની જમીન સંપાદનના ૧૯ કરોડ રૂપિયા આવ્યા હતા. દિલજીતસિંહ ગાયકવાડને તેમાંથી અડધા મળવા જોઈએ પરંતુ તેમાના ૭ કરોડ હજુ સુધી મળ્યા નથી. તેમને અનેક વખત રેવન્યુ અધિકારીઓને રજૂઆત કરી, પરંતુ રેવન્યૂ અધિકારીઓ તેમને ગાંઠતા ન હોવાનું જણાવ્યું છે. વકીલ દ્વારા પણ નિવેદન સામે આવ્યું છે કે, હાલના રાજવી પરિવાર બની બેઠેલા છે.

પૂર્વ રાજવી ફતેસિંહરાવ પ્રતાપસિંહ રાવ ગાયકવાડે સ્પે. દિવાની મુ.નંબર ૧૪૯-૭૯ નંબરથી ઈન્દિરાબાઈ ગોવિંદરાવ ગાયકવાડના વારસ દિલજીતસિંહ વિજયરાવ ગાયકવાડ, પ્રતાપસિંહ વિજયરાવ ગાયકવાડ અને સત્યશીલા દેવી ગાયકવાડ (રહે, ચીમનબાગ પેલેસ, શાંતાદેવી ર્નિંસગ હોમ પાસે) સામે કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. જે દાવો ચાલી જતાં ચીમનબાગ પ્રોપર્ટીનો કબજો ફતેસિંહરાવ ગાયકવાડના વંશજ અને હાલના રાજવી સમરજિતસિંહ ગાયકવાડને સોંપવાનો હુકમ કર્યો હતો.

ગોવિંદરાવ ગાયકવાડના વારસદારોએ જણાવ્યું છે કે રાજવી પરિવારની અબજો રૂપાયાની મિલકતો આજથી લગભગ ૧૫૦ વર્ષ પૂર્વે દામાજીરાવ ખીલાજીરાવ ગાયકવાડ તથા તેમના વારસદારો દ્વારા વસાવવામાં આવી છે. આ મિલકતો પ્રતાપરાવ સયાજીરાવ ગાયકવાડ કે સયાજીરાવ ખંડેરાવ દ્વારા વસાવવામાં આવી નથી. ખંડેરાવના લગભગ ૧૦ વર્ષના પુત્ર સયાજીરાવ ગાયકવાડને બ્રિટિશ શાસનનાં સમયે દત્તક પુત્ર તરીકે લેવડાવી રાજગાદી પર ખોટી રીતે બેસાડવામાં આવેલા. તેમણે ખંડેરાવના પુત્ર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા પણ કોઇ મિલકતો ખરીદવામાં આવી ન હોવાની પણ રજૂઆત કરી છે. સયાજીરાવના પુત્રો અને તેમના વારસદારોએ પણ કોઇ મિલકત વસાવી ન હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. જેમાં સયાજીરાવના પુત્રો ફતેસિંહ ત્રીજા, ફતેસિંહના પુત્ર પ્રતાપસિંહ ગાયકવાડ અને પ્રતાપસિંહના ત્રણ પુત્રો ફતેસિંહ ગાયકવાડ ચોથા રણજીતસિંહ ગાયકવાડ અને સંગ્રામસિંહ ગાયકવાડ દ્વારા પણ કોઇ મિલકતો ખરીદાઇ નથી. ગોવિંદરાવના વારસદારોએ આ રજૂઆત સાથે કહ્યું છે કે જે મિલકતો દાયકાઓ અગાઉ વડિલો દ્વારા ખરીદવામાં આવેલી તેનો જ વહીવટ કરવામાં આવ્યો હતો. આથી આ વડીલો પાર્જીત મિલકતોમાં તેમણે ૫૦ ટકા હિસ્સાની માંગણી કરી છે.

વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના વારસદારોએ રાજ ઘરાનાની જે મિલ્કતોમાં હિસ્સો મેળવવા માટે કોર્ટમાં કેસ કર્યો છે તે મિલ્કતો પૈકીની કેટલીક મહત્વની મિલ્કતોની યાદી નીચે મુજબ છે.

ભવ્ય લક્ષ્મી વિલાસ પેલેસ. આ રાજમહેલ આસપાસ ૭૦૭ એકર જેટલી વિશાળ ખુલ્લી જગ્યા. જેમાં ગાર્ડન, મ્યુઝિયમ વિગેરે પણ છે. નજરબાગ પેલેસ, મકરપુરા પેલેસ તથા તેની આજુબાજુ આવેલી ૨૫ એકર ખુલ્લી વિશાળ જગ્યા, કલાભુવન ૧૦.૯ વિંઘા જગ્યા, અશોક બંગલો ઇન્દુમતી પેલેસ બકુલ બંગલો ૮.૭ વિઘા, બગીખાના પોલોગ્રાઉન્ડ, યવતેશ્વર કંપાઉન્ડવાળી જગ્યા જેનું ક્ષેત્રફળ ૧૯૩,૩૧,૭૮ હેક્ટર, કુંજ બંગલો, પુષ્પક બંગલો, અમરકુટ બંગલો, ચિત્રકુટ બંગલો, જૂના સરકારવાડા ૮૯.૯૧૬ ચો.ફુટ જગ્યા, કૂતરાખાના ૧૨૮૨૩ ચો.ફુટ, પીલખાન બિલ્ડીંગ ૨,૨૭,૫૮૩ ચો.ફુટ, જૂની ગઢી ૧૦.૯૯૪ ચો.વાર, મૌલબાગ અખાડા ૭૫૧ ચો.વાર, વ્રજમસ્ટી અખાડા ૨૩૨૬૩ ચો.વાર, જૂના તોપખાના ૧૧૯૧.૩૭ ચો.વાર, કુંજ પ્લાઝા ૯૯૭ ચો.ફુટ, આજવા બંગલો ૨ એકર ૨૩ ગુંઠા, જંબુઆ ખાતેની ખેતીની જમીન ૧૧ એકર ૫૬ ગુંઠા, અમદાવાદની ગાયકવાડ હવેલી, મુંબઇ મરીન ડ્રાઇવ રોડ પરનો બંગલો જે મહેરગંધ હાઉસના નામથી ઓળખાય છે, દિલ્હીનું બરોડા હાઉસ, વારાણસીનું મ્યુઝિયમ, લંડનનો પેલેસ, દ્વારકામાં આવેલો દ્વારકાહાઉસ બંગલો, અબજો રૂપિયાનાં હીરા ઝવેરાત અને ઝવેરાત સોનાના આભુષણો વગેરેનો સમાવેશ થાય છે.

(7:59 pm IST)