ગુજરાત
News of Wednesday, 20th January 2021

૨૫ લાખની લાંચમાં ધોળકા મામલતાદાર ડામોર ઝડપાતા ખળભળાટ

એસીબી વડા કેશવ કુમારના માર્ગદર્શનમાં મદદનીશ નિયામક જી.વી.પઢેરિયા તથા પીઆઈ કે.વાય.વ્યાસની ટીમ મામલતદાર કચેરી પર ત્રાટકીઃ કુલ બે સકંજામાં : છત્રફળ સુધારણા અને ખેડૂત તરીકે કાયમી કરવાની ફરિયાદીની અરજી સંદર્ભે વચેટિયા મારફત લાંચ માંગવાના આરોપસર સપાટો

રાજકોટ, તા.૨૦: ખેતીની જમીનના હેતુ ફેર તથા ખેડૂત તરીકે કાયમી કરવાની અરજીનો નિકાલ કરવાના આરોપસર રૂપિયા ૨૫ લાખની લાંચના છટકામાં ધોળકાના મામલતદાર હાર્દિકભાઈ મોતીભાઈ ડામોર તથા જગદીશભાઈ પરમાર નામની ખાનગી વ્યકિત એસીબી દ્વારા છટકું ગોઠવી ઝડપી લેવાયા નું એસીબી સૂત્રો જણાવે છે.                     

એસીબી સૂત્રો વિશેષમાં જણાવે છે કે એક જાગૃત ફરિયાદી દ્વારા બદરખાની સીમમાં આવેલ જમીનના ક્ષેત્ર ફળ સુધારણા તથા ખેડૂત માંથી બીન ખેડૂત કરેલ જે ફરી ખેડૂત કરવા બાબતની અરજી મામલતદાર ધોળકાને આપેલ.                                  

એસીબી પાસે ફરિયાદી દ્વારા આ મામલે રૂપિયા ૨૫ લાખ જેવી રકમ ની માંગણી થયાની હકીકત રજૂ કરતાં એસીબી દ્વારા તુરત આ બાબતે એસીબી વડાં કેશવ કુમારના ધ્યાને આ વિગતો મૂકતા કોઈ સંજોગોમાં આરોપીઓ છટકે નહિ તેવી સૂચના અને માર્ગદર્શન આપેલ.              . 

એસીબીના ફિલ્ડ- ૧ના મદદનીશ નિયામક જી.વી.પઢેરિયા તથા અમદાવાદ ફિલ્ડ ૨ ના પીઆઇ કે.વાય.વ્યાસે મામલતદાર કચેરી પર ત્રાટકી આરોપી મામલતદાર પાસેથી ૨૦  લાખ તથા ખાનગી વ્યકિત જગદીશભાઈ પરમાર પાસેથી ૫ લાખ મળી કુલ- ૨૫ લાખ કબ્જે કરતા ખળભળાટ મચી ગયો છે.

(12:55 pm IST)