ગુજરાત
News of Thursday, 19th May 2022

રાજપીપળાના સિટીઝન ફર્નીચરના વેપારીના મોબાઈલ ઉપરઇન્ડિયન આર્મીના નામે કોલ કરી છેતરપીંડીનો પ્રયાસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં અગાઉ ઘણા ઑનલાઇન ફ્રોડ ના કિસ્સા પોલીસ દફતરે નોંધાયા હતા પરંતુ નર્મદા પોલીસના જાગૃતિ અભિયાનથી લોકોમાં આ માટે ઘણી જાગૃતિ આવતા આવા બનાવો ઘટ્યા છે ત્યારે હાલમાં રાજપીપળા ના એક વેપારીને કોલ કરી છેતરવાનો પ્રયાસ કરાયો હતો જેમાં કોલ કરનારે પોતાની ઓળખ ઇન્ડિયન આર્મી ના અધિકારી તરીકે આપી 14 દરવાજાનો ઓર્ડર આપી 50℅ પેમેન્ટ એડવાન્સ આપવાનું કહ્યું હતું પણ એડવાન્સ પૈસા ગૂગલ પે કે ફોન પે દ્વારાજ આપવાનો આગ્રહ રાખતા વેપારીને શંકા થઈ હતી, અને નર્મદા પોલીસના ઓનલાઈન ફ્રોડ સામેના જાગૃતિ અભિયાનથી સતર્ક બનેલા વેપારી એ ઇન્ડિયન આર્મીના નામે કોલ કરનારને કડક શબ્દોમા ઝાટકી નાખ્યો હતો અને ઇન્ડિયન આર્મી ને બદનામ કરવા સામે ચીમકી ઉચ્ચારી હતી.
 હાલ ના સમય મા ઓનલાઈન પેમેન્ટ ટ્રાન્સફર ના નામે ઠગાઈના ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે નર્મદા પોલીસ ના ઓનલાઈન ઠગાઈ સામે ના અભિયાન થી લોકો મા જાગૃતિ આવી રહી છે એમ જોવા મળી રહ્યું છે

(10:34 pm IST)