ગુજરાત
News of Thursday, 19th May 2022

વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં રવિવારે યોજાશે રસીકરણ અભિયાન :રસીના ડોઝ પૂર્ણ કરવા કલેક્ટરની અપીલજિલ્લાના ગ્રામ વિસ્તારમાં 242 સ્થળોએ રસીકરણ કેન્દ્રો થી 1.31 લાખથી વધુ લોકોને રસી મૂકવાનું મહા અભિયાન

વડોદરાના નિવાસી અધિક કલેક્ટર કુલદીપ સિંહ ઝાલા દ્વારા  ગ્રામ્ય વિસ્તારના લોકોને  રવિવારના રોજ આયોજિત રસીકરણ અભિયાનમાં ભાગ લઈ રસીના ડોઝ પૂર્ણ કરવા અપીલ કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે કોરોના હજુ ગયો નથી. એટલે પાત્રતા ધરાવતા લોકોએ પોતાની રસીના ડોઝ પૂર્ણ કરવા જરૂરી છે.  કોરોના સામે રસી એ સુરક્ષા ચક્ર સમાન સાબિત થઈ છે.  ત્યારે જે લોકો હજી રસીથી વંચિત છે તેઓ  તેમના ડોઝ પૂર્ણ કરે.

નોંધનીય છે કે રવિવારના રોજ તારીખ 22ના  રોજ જિલ્લાના ગ્રામ વિસ્તારમાં 242 સ્થળોએ રસીકરણ કેન્દ્રો થી 1.31 લાખથી વધુ લોકોને રસી મૂકવાનું મહા અભિયાન આયોજિત કરવામાં આવશે. વડોદરા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લા કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ આગામી રવિવાર તા.22 મેના રોજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જે લોકો પાત્રતા ધરાવે છે અને છતાં ડોઝ નથી લીધો તેમને સામેલ કરવા માટે કોરોના રસીકરણ મહા અભિયાન યોજવામાં આવ્યું છે. વડોદરા જિલ્લામાં રસી લેવા માટે  નિવાસી અધિક કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે કોરોનાના કેસ ઘટ્યા છે, પરંતુ કોરોના સાવ ગયો નથી. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના તમામ પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રો અને પેટા આરોગ્ય કેન્દ્રો ખાતે રસી મૂકી આપવામાં આવશે.

નિવાસી અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલાએ જણાવ્યું  હતું કે મુખ્યમંત્રીની સૂચનાથી યોજવામાં આ અભિયાનની જાણકારી આપતાં આ અભિયાન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા રવિવારે જિલ્લાના ગ્રામ વિસ્તારમાં રસી મૂકવા માટે 242 રસીકરણ કેન્દ્રો રાખવામાં આવશે. આ અભિયાન હેઠળ પ્રિકોશન ડોઝની પાત્રતા ધરાવતા અને તેનાથી વંચિત જિલ્લાના હેલ્થ કેર વર્કર,ફ્રન્ટ લાઇન વર્કર અને 60થી વધુ ઉંમરની શ્રેણીના 65,221 લાભાર્થીઓને પ્રિકોશન ડોઝ અને 12 વર્ષથી વધુ વય જૂથના પાત્રતા ધરાવતા 66014ને બીજો ડોઝ, એમ કુલ 131235 લાભાર્થીઓને આવરી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના ગ્રામ વિસ્તારના તમામ પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રો અને પેટા આરોગ્ય કેન્દ્રો ખાતે રસી મૂકી આપવામાં આવશે.

પાત્રતા ધરાવતા લાભાર્થીઓ ઓનલાઈન કોવિન પોર્ટલ પર નોંધણી કરાવીને સ્લોટ બુક કરાવી શકશે અને રસી કેન્દ્ર ખાતે ઓન સ્પોટ નોંધણી પણ કરવામાં આવશે. આ અભિયાનને સફળ બનાવવા આરોગ્ય વિભાગને ગૃહ વિભાગ, પંચાયત, શિક્ષણ,મહિલા અને બાળ વિકાસ વિભાગ લાભાર્થીઓને ઓળખીને રસી અપાવવામાં સહયોગ આપશે. કારણ કે કોરોના હજુ સાવ ગયો નથી એટલે રસીને પાત્ર હોવા છતાં ડોઝ લીધો ન હોય તેઓ આરોગ્યના હિતમાં રસી મુકાવી લે તેવો અનુરોધ ઝાલાએ કર્યો છે.

(9:20 pm IST)