ગુજરાત
News of Thursday, 19th May 2022

ગાંધીનગર ખોરજ ગામની સીમમાં દુકાન બહાર પાર્ક કરેલ કારમાંથી પોલીસે વિદેશી દારૂનો 16 લાખનો જથ્થો ઝડપી પાડયો

ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા ખોરજ ગામની સીમમાં આવેલી દુકાન અને ત્યાં પાર્ક કરેલી એક કારમાંથી વિદેશી દારૃની પાંચ હજાર જેટલી બોટલ મળી આવી છે. કુલ ૧૬.૧૮ લાખની ૪,૮૮૪ નંગ વિદેશી દારૃની બોટલનો જથ્થો પકડાયો છે જ્યારે દસ લાખની મોંઘી કાર પણ પોલીસે જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે અને દારૃ ક્યાંથી આવ્યો તેની તપાસ કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં દારૃબંધી હોવા છતા સૌથી વધુ દારૃની હેરાફેરી અહીં થાય છે તેમાં પણ રાજસ્થાનથી ગુજરાતમાં આવતો દારૃ અહીં ખુબ જ વેચાય છે આવી સ્થિતિમાં ઉચ્ચકક્ષાના આદેશને પગલે જિલ્લા પોલીસ પણ પ્રોહીબીશનના ગુના કરવા માટે સતર્ક થઇ ગઇ છે અને દારૃની હેરાફેરી તથા દારૃનો જથ્થો સંતાડી રાખતા શખ્સોને પકડવા માટે બાતમીદારોને પણ સક્રિય કરવામાં આવ્યા છે.આવી સ્થિતિમાં અડાલજ પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન કન્ટેનર યાર્ડ, ખોરજગામની સીમમાં આવેલા ઓટો ઇલેક્ટ્રીક વર્ક્સના કમ્પાઉન્ડમાં આવેલી દુકાનમાં દારૃ સંતાડવામાં આવ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી જેથી પોલીસ ટીમે ત્યાં તપાસ કરી હતી ત્યારે દુકાન અને ત્યાં પાર્ક કરેલી લક્ઝુરીયસ કાર નં.  જીજે.૮.એઇ.૫૧૧૫માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૃની નાની મોટી બોટલનો જથ્થો મળી આવ્યો હતો. અહીંથી કુલ ૪,૮૮૪ જેટલી વિદેશી દારૃની બોટલો પોલીસે જપ્ત કરી હતી. કુલ ૧૬.૧૮ લાખના દારૃ ઉપરાંત દસ લાખની કાર સહિત કુલ ૨૬.૧૮ લાખનો મુદ્દામાલ પણ પોલીસે જપ્ત કર્યો હતો આ સાથે દુકાન અને કારમાં વિદેશી દારૃ રાખનાર શખ્સ વિરૃધ્ધ પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. 

(6:16 pm IST)