ગુજરાત
News of Thursday, 19th May 2022

હું જ નહિ બીજા યુવા નેતાઓ અને ધારાસભ્‍યો પણ કોંગ્રેસથી નારાજ : હાર્દિક પટેલ

કોંગ્રેસ માત્ર જાતિવાદ ઉપર જ ચૂંટણી લડે છે : મારો નિર્ણય નરેશભાઇ પટેલને પૂછીને જ લઇશ ભલે નરેશભાઇ ગમે તે પાર્ટીમાં હોય : ગુજરાતમાં છ મહિનામાં ચૂંટણી આવશે : ગુજરાતમાં રાહુલજી આવે ત્‍યારે ગુજરાતની સમસ્‍યા અને મુદ્દાની એકપણ વાત કરી નથી : કોંગ્રેસે મારો ઉપયોગ કર્યો છે : જનતા તેમને જવાબ આપશે

રાજકોટ તા. ૧૯ : કોંગ્રેસમાંથી ગઇકાલે રાજીનામુ આપ્‍યા બાદ આજે હાર્દિક પટેલે અમદાવાદ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી અને કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા.

૨૦૧૫ની વાત યાદ કરતા આંદોલન શરૂ કર્યાની વાત કરી હતી.  ગુજરાતના અસંખ્‍ય યુવાનોને સાથે રાખીને અનામત અપાવવાનું કામ કર્યું. કોંગ્રેસમાં એક સપના અને કામ કરવાના હેતુથી જોડાયો હતો. ૨૦૧૯-૨૦૨૨ સુધી કોંગ્રેસને જાણી સમજયા પછી ખબર પડી કોંગ્રેસ માત્ર જાતિવાદ પર જ લડે છે. ગુજરાતમાં કાર્યકારી પ્રમુખ તરીકે મને કોઈ જવાબદારી સોંપવામાં ના આવી. ગુજરાતમાં માત્ર હાર્દિક પટેલ જ નારાજ નહીં પરંતુ બીજા યુવા નેતા અને અન્‍ય ધારાસભ્‍યો પણ નારાજ છે. કોંગ્રેસમાં સાચી વાત કહેવાનો પ્રયત્‍ન કર્યો ત્‍યારે બદનામ કરવાની વાત વહેતી કરી હતી.

હાર્દિક પટેલે વધુમાં જણાવ્‍યું હતું કે, ૧૧૭ લોકોએ પાર્ટી છોડી રૂમમાં બેસીને જાતિવાદ સિવાય કોઈ ચર્ચા કરતા નહીં. ગુજરાતમાં રાહુલજી આવે ત્‍યારે તેમણે ગુજરાતની સમસ્‍યા અને મુદ્દાની એક પણ વાત કરી નથી. કોંગ્રેસ પાર્ટીના ગુજરાતનું કે ગુજરાતના લોકોનું સારૂ કરવા ઈચ્‍છતા નથી.

કોંગ્રેસના કાર્યકર્તાઓનો આભાર છું તેમણે મને ખૂબ સપોર્ટ કર્યો. કોંગ્રેસમાં ગર્વથી રાજીનામું આપ્‍યું છે. ભવિષ્‍યની ચિંતા માટે લોકોએ ફોન કર્યો પરંતુ મે કીધૂ આપણે લોકોની વચ્‍ચે રહીને કામ કરવાનું છે. ગુજરાતના લોકોને વિનંતી છે ભરોસો ના કરતા અને ભરોસો કરશો તો ભરોસો તોડશે.

હાર્દિક પટેલે વધુમાં જણાવ્‍યું કે, મેં ૩ વર્ષ કોંગ્રેસમાં બગાડવાનું મને દુઃખ છે. કોઈ પક્ષમાં જોડાશે ત્‍યારે સામેથી જણાવશે. કોંગ્રેસે મારો ઉપયોગ કર્યો. હવે મારે કોંગ્રેસન્‌ કહેવાની જરૂર નથી. જનતા તેમને જવાબ આપશે.

મારો નિર્ણય નરેશભાઈને પૂછીને જ લઈશ ભલે નરેશભાઈ ગમે તે પાર્ટીમાં હોય. ચૂંટણી છ મહિનામાં થશે. જયારે નિર્ણય લઈશ ત્‍યારે બહુ દિલથી લઈશ.

પત્રકાર પરિષદને સંબોધતાં હાર્દિક પટેલે જણાવ્‍યું હતું ૨૦૧૫ થી ૨૦૧૯ સુધી ઇમાનદારીથી અસંખ્‍યક લોકોના અધિકાર માટે આંદોલન કર્યું હતું. સરકારના વિરોધમાં લડાઇ લડ્‍યા હતા અને બિન અનામત વર્ગને ૧૦ ટકા અનામત આપવાનું કામ કર્યું છે.

હું જયારે કોગ્રેસમાં જોડાયો ન હતો ત્‍યારે કોંગ્રેસના નેતાઓ મારા વખાણ કરતા અને કહેતા કે તારા જેવા યુવાનની જરૂર છે. જયારે કોઇ કોંગ્રેસ વિરોધી નિવેદન કરે ત્‍યારે તે વેચાઇ ગયો કે ગદ્દારીનું નિવેદન આપે છે. કોંગ્રેસમાંથી ધારાસભ્‍યો અને પૂર્વ સાંસદો છોડીને ગયા ત્‍યારે વિચારવાની જરૂર હતી. અત્‍યાર સુધી ગુજરાત કોંગ્રેસના પ્રમુખ કોણ બન્‍યા તે જોવાની જરૂર છે, ગુજરાતમાં માત્ર પાંચ સાત લોકો પાર્ટી ચલાવે છે. મારા રાજીનામા બાદ અનેક લોકોએ મને ફોન કરી અભિનંદન આપ્‍યા હતા.

રાહુલ ગુજરાત આવે ત્‍યારે તેમને ગુજરાતની સાચી માહિતી અપાતી નથી. દિલ્‍હીમાં બેઠેલા નેતાઓ રાહુલ ગાંધીને કહે છે ગુજરાત માં રીઝલ્‍ટ નહી આવે તેમે ધ્‍યાન ન આપો. છેલ્લી સ્‍થાનિક સ્‍વરાજની ચુંટણીમાં સૌથી ખરાબ પરિણામ આવ્‍યું હતું.

(4:18 pm IST)