ગુજરાત
News of Thursday, 19th May 2022

હાર્દિક પટેલના રાજીનામાથી ભાજપનું ‘મિશન ગુજરાત' મજબૂત બનશે

હાર્દિક પટેલ ટૂંક સમયમાં ભાજપમાં જોડાઇ શકે છે

નવી દિલ્‍હી,તા. ૧૯: ૨૦૧૫માં ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનનો ચહેરો બનેલા હાર્દિક પટેલનું નવું રાજકીય કાર્ડ ભાજપ માટે એકદમ યોગ્‍ય સાબિત થઈ શકે છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા હાર્દિકે કોંગ્રેસ છોડવી અને બીજેપીને સમર્થન દર્શાવવું એ રાજયના રાજકારણમાં મોટા પરિવર્તનનો સંકેત આપે છે. તેઓ વહેલા કે મોડા ભાજપમાં જોડાઈ શકે છે કારણ કે તેઓ પડદા પાછળ ભાજપના નેતાઓને મળ્‍યા છે.

મોદી અને શાહની સ્‍ટાઈલ ગુજરાતમાંથી જ જાણીતી છે. આ રાજયમાં જેટલો મોટો વિજય એટલો જ મોટો રાજકીય સ્‍થિતિનો સંદેશો. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની દસ્‍તકને જોતા ભાજપ સાવધ છે. આમ આદમી પાર્ટી પણ રાજયના પાટીદાર સમાજને રીઝવવાનો પ્રયાસ કરી રહી છે. ગત વખતે સુરતમાં ભાજપે પોતાની સરકાર જાળવી રાખી હતી. તે સંપૂર્ણ રીતે સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટના પાટીદાર સમાજને પોતાની સાથે લાવવા માંગે છે.

સૂત્રોના જણાવ્‍યા અનુસાર, હાર્દિક પટેલે ગત દિવસોમાં ભાજપના મહામંત્રી સંગઠન બી.એલ.સંતોષ સાથે મુલાકાત કરી હતી. માનવામાં આવે છે કે આ રણનીતિમાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની સહમતિ પણ સામેલ છે. આ અંગે ભાજપે હજુ સુધી કોઈ ટિપ્‍પણી કરી નથી. પરંતુ ગુજરાતની ચૂંટણીની રણનીતિ જોતા આ વખતે ભાજપ સંપૂર્ણ તૈયારી સાથે ચૂંટણી મેદાનમાં જોવા મળશે. તેની શરૂઆત એક વર્ષ પહેલા થઈ હતી જયારે રાજયમાં મુખ્‍યમંત્રી સહિત સમગ્ર કેબિનેટમાં ફેરફાર કરવામાં આવ્‍યો હતો.

આ વર્ષે પણ જયારે પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા હતા ત્‍યારે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી ગુજરાતમાં જઈને રોડ શો કરી રહ્યા હતા. ત્‍યારથી ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં સતત સક્રિય છે. પાર્ટી એક પણ બૂથ છોડવા તૈયાર નથી. તેમનો પ્રયાસ છે કે ૨૦૨૨ની જીત એટલી મોટી હોય કે અગાઉના તમામ રેકોર્ડ તૂટી જાય.

ગુજરાતના રાજકારણમાં ભાજપ ભલે છેલ્લી ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી જીતી ગયું હોય, પરંતુ પાર્ટીની ટોચની નેતાગીરી તેને મળેલી હરીફાઈને લઈને ચિંતિત હતી. આ જ કારણ છે કે પાર્ટીએ ગુજરાતમાં ઘણા મોટા ફેરફારો કર્યા અને વિપક્ષની ધારને ઢીલી કરવાનો સતત પ્રયાસ કરવામાં આવ્‍યો. કોંગ્રેસના ઘણા ધારાસભ્‍યો પક્ષ છોડીને ભાજપમાં જોડાયા હતા અને હવે હાર્દિક પટેલનું રાજીનામું જેણે તેના સામાજિક સમીકરણોને નુકસાન પહોંચાડ્‍યું છે તે આ એપિસોડનો મોટો ભાગ છે.

સૂત્રોના જણાવ્‍યા અનુસાર, હાર્દિક પટેલ ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે, તેણે રાજીનામામાં સંકેત આપ્‍યા છે. જેમાં તેઓ એવા મુદ્દાઓ પર કોંગ્રેસને ઘેરતા જોવા મળ્‍યા જે ભાજપના મુદ્દા રહ્યા છે.

(2:27 pm IST)