ગુજરાત
News of Thursday, 19th May 2022

કોઈ એકના જવાથી પક્ષને કોઇ ફરક નથી પડતો:સમાજ કોઇ એક વ્યકિત પાછળ નથી દોરાતો:ધારાસભ્ય કિરીટ પટેલ

પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરિટ પટેલે હાર્દિક પટેલ પર આકરા પ્રહાર કર્યા

અમદાવાદ :  ગુજરાતમાં વિધાનસભા ચુંટણીની હલચલ વચ્ચે હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી  રાજીનામું ધરી દીધું છે .જેમાં પાટણના કોંગ્રેસના ધારાસભ્ય  કિરિટ પટેલે હાર્દિક પટેલ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમજ કહ્યું હતું કે કોઇ એકના જવાથી પક્ષને કોઇ ફરક નથી પડતો. તેમજ સમાજ કોઇ એક વ્યકિત પાછળ નથી દોરાતો. આ ઉપરાંત હાર્દિક પટેલની આગળની રણનીતી સામે કોંગ્રેસ બીજી રણનીતિ નક્કી કરશે. તેમજ હાલમાં હાર્દિક પટેલે ભાજપમાં જોડાવા મામલે કોઇ પૃષ્ટી કરી નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજકારણ અને પ્રેમમાં બધુ જ સંભવ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલે કોંગ્રેસ માંથી રાજીનામું આપ્યું છે આ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે ખૂબ જ મોટો ઝટકો ગણી શકાય. ઘણા સમયથી કોંગ્રેસ પક્ષથી નારાજગીના સૂર રેલાવ્યા બાદ હવે અંતે હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ છે. હાર્દિક પટેલે પોતાના ટ્વીટર હેન્ડલ પર કોંગ્રેસ સાથે નારાજગી દર્શાવતો મોટો પત્ર પણ મુક્યો છે. હાર્દિક પટેલે રાજીનામાના આ પત્રમાં કોંગ્રેસના નેતૃત્વ સામે ભારોભાર નારાજગી દર્શાવેલી છે. ત્યારે હાર્દિક પટેલે ટોચના નેતૃત્વ પર આ મોટા 13 આરોપો લગાવ્યા છે.

 

(12:57 am IST)