ગુજરાત
News of Thursday, 19th May 2022

ગાંધીનગર અમિયાપુર કેનાલમાંથી મળેલ લાશની ઘટનામાં મિત્રએ જ હત્યા કર્યાનું તપાસમાં ખુલ્યું: આરોપીની ધરપકડ

પત્ની સાથે મિત્ર પાર્થ ઠાકોરને આડો સંબંધ હોવાની શંકા રાખતા કેનાલમાં ધક્કો માર્યો તેમજ પુરાવાનો નાશ કરવા મિત્ર પાર્થની ગાડી પણ સળગાવી દીધી

ગાંધીનગર અમિયાપુર કેનાલમાંથી મળી આવેલી લાશની ઘટનામાં મિત્રએ જ મિત્રની હત્યા કર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે,પોલીસે ન્યૂ નરોડાથી આરોપી ચિરાગ પટેલની ધરપકડ કરી હતી. હાલ ડભોળા પોલીસે આરોપીના રિમાન્ડ મેળવીને ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.  દરમિયાન આરોપીએ સ્વીકાર્યું હતું કે તેણે પોતાની પત્ની સાથે મિત્ર પાર્થ ઠાકોરને આડો સંબંધ હોવાની શંકા રાખતા કેનાલમાં ધક્કો માર્યો હતો. તેમજ પુરાવાનો નાશ કરવા મિત્ર પાર્થની ગાડી પણ સળગાવી દીધી હતી.

આરોપીએ  પોલીસને સમગ્ર ઘટના  વર્ણવતા જણાવ્યું હતું કે  તેની મિત્રતા હતી તે   મૃતક પાર્થ ઠાકોર દહેગામનો રહેવાસી હતો અને જમીન દલાલનો વ્યવસાય કરતો હતો. પાર્થ ઠાકોર અને ચિરાગ પટેલ વચ્ચે છેલ્લા બે વર્ષથી મિત્રતા હતી. આ દરમિયાન પાર્થ ચિરાગની ઘરે આવતો જતો થયો હતો. જોકે આ સમય દરમિયાન ચિરાગને એવી શંકા ગઈ હતી કે પાર્થ તેની પત્ની સાથે આડા સંબંધઓ ધરાવે છે. આથી આ  શંકાને પગલે જ  ચિરાગે મિત્રની હત્યા કરવાની યોજના બનાવી હતી. અને આ યોજનાને અમલમાં મૂકવા  મિત્રનું કાસળ કાઢવા માટે 4 મેના રોજ ચિરાગ એક્ટિવા લઇને એણાસણ પહોંચ્યો હતો જ્યાં પાર્થ તેની ફોર વ્હિલર લઇને ઉભો હતો,ત્યાર બાદ ચિરાગે પોતાનું ટુ વ્હિલર કેનાલ પાસે ઉભું રાખ્યું અને બંને જણા કારમાં ટિમલી હનુમાનજી મંદિરે પહોચ્યા હતા અને ફરીને પાછા રાયપુર કેનાલ પાસે આવ્યા હતા. ત્યાં બંનેએ ગાંજા વાળી સિગરેટ પીધી હતી. બાદમાં ચિરાગે મિત્ર પાર્થને કેનાલમાં ધક્કો મારી દીધો હતો અને ત્યાંથી નીકળી ગયો હતો.

આ ઘટનામાં પાર્થનો મૃતદેહ અમિયાપુર કેનાલમાંથી તથા સળગેલી કાર નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળી આવી હતી.ત્યાર બાદ પાર્થના પરિવારજનોએ હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. પોલીસ આ ઘટનામાં વધુ તપાસ કરી રહી છે.

(12:44 am IST)