ગુજરાત
News of Sunday, 18th October 2020

ભદ્રકાળી અને ત્રણ દરવાજા માર્કેટમાં ઉમટી ભારે ભીડ

ખરીદીની લ્હાયમાં લોકો દ્વારા કોરોના ભુલાયો : સોશિયલ ડિસ્ટન્સ-માસ્કના નિયમોના છડેચોક ધજાગરા

અમદાવાદ, તા. ૧૮  : ગુજરાતમાં કોરોનાનો કહેર વધતો જ જઈ રહ્યો છે. રોજ સરેરાશ ૧૦૦૦ જેટલા કેસ સામે આવી રહ્યાં છે ત્યારે અત્યાર સુધીમાં કુલ આંકડો પણ ૧૫૯૮૨૬એ પહોંચ્યો છે. જ્યાં સુધી કોઈપણ દેશ રસી બનાવવામાં સમગ્ર રીતે સફળ નથી થતો અને કોરોનાની રસી માર્કેટમાં નથી આવતી ત્યાં સુધી સરકાર કોરોના સામે લડવાના હથિયાર તરીકે સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્કને અપનાવી રહી છે ત્યારે અમદાવાદના ભદ્રકાળી અને ત્રણ દરવાજા માર્કેટમાં તો જાણે કોરોના સાવ ભૂલાય જ ગયો હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. એકબાજુ નવરાત્રી ચાલી રહી છે તો ટૂંક સમયમાં જ લગ્નગાળો પણ શરુ થવાનો છે. જેને લઈને ત્રણ દરવાજા વિસ્તારમાં ખરીદી માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. એકબાજુ સરકાર કામ વગર બહાર ન નીકળવાનું કહી લોકોને સમજાવી રહી છે અને કોરોનાના સંક્રમણથી બચવા માટે બહાર નીકળીએ ત્યારે માસ્ક પહેરવાનું પણ કહે છે.

             ત્યારે ત્રણ દરવાજા વિસ્તારમાં પોતાની વસ્તુઓ વેચતા કેટલાક ફેરિયાઓએ પણ માસ્ક નથી લગાવ્યા તો ખરીદી માટે ઉમટી પડેલા લોકોમાંથી પણ કેટલાકે જાણે કોરોના હોય જ નહીં તેમ માસ્ક નહોતા પહેર્યા. આવી સ્થિતિ માત્ર ત્રણ દરવાજા વિસ્તારમાં જ છે તેવું નથી. શહેરના ભદ્રકાળીમાં પણ આવી જ રીતે ભીડ ઉમટી પડી હતી. જેમાં પણ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોના છડેચોક ધજાગરા ઉડ્યા હતાં. અમદાવાદ શહેરમાં ૧૭૫ તેમજ ગ્રામ્યમાં ૧૪ એમ ૧૮૯ નવા કેસો સાથે કોરોનાનો કુલ આંકડો પણ ૩૯૮૪૪ થયો છે. આ રીતે જ્યારે અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંકડો ૪૦ હજારની નજીક પહોંચ્યો છે તે સ્થિતિમાં આવું દ્રશ્ય સર્જાવું તે ભયાનક છે.

(9:24 pm IST)