ગુજરાત
News of Sunday, 18th October 2020

અમદાવાદઃ 84 વર્ષની વૃદ્ધાએ પોપ્યુલર બિલ્ડર રમણ- દશરથ- છગન સહિત પટેલ પરિવારના 9 લોકો સામે કરોડોની જમીન પચાવ્યાની કરી ફરિયાદ

અમદાવાદ : અમદાવાદમાં વહુને ત્રાસ આપવાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પોપ્યુલર બિલ્ડર ના માલિકની મુશ્કેલીઓ વધી છે. આઈટીના દરોડોમાં બેનામી સંપત્તિ મળ્યા બાદ હવે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પોપ્યુલર બિલ્ડર સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. થલતેજ ગામમાં કરોડોની જમીન પચાવી પાડવા અંગે પોપ્યુલર બિલ્ડર સામે ફરિયાદ થઈ છે. બનાવટી પાવર ઓફ એટર્ની બનાવીને જમીન પચાવી પાડવામાં આવી છે. અલગ અલગ 6 સહકારી મંડળીના નામે જમીન ટ્રાન્સફર કરાવીને જમીન પચાવાઈ છે. પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલ અને પરિવારના 9 સભ્યો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પોપ્યુલર બિલ્ડર સામે નોંધાયેલી ફરિયાદ પછી જમીન પચાવી પાડવાના મુદ્દે તેમનાથી પીડિત લોકો હવે બહાર આવી રહ્યા છે. અગાઉ પણ આ જ પ્રકારની એક જમીન પચાવી પાડવાની અરજી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં થઈ છે. જેની તપાસ વસ્ત્રાપુર પોલીસ કરી રહી છે. આ કેસના ફરિયાદી ચંચળબેન બ્રહ્મભટ્ટે લખાવ્યું છે કે, તેમની ઉંમર અને શારિરીક મર્યાદાઓને ધ્યાને લઈ તેમના જીવનનો ભરોસો નથી પણ તેમની સાથે ખોટું કરનારાને નશીયત કરવામાં આવે. આ ફરિયાદમાં ઘરની મહિલાઓ સહિત કુલ 9 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાતા હવે ઘરના તમામ સભ્યો સામે એક યા બીજા મુદ્દે ફરિયાદ નોંધાઈ ચુકી છે. આ કેસમાં આરોપીઓ પૈકી મોટાભાગના સાંઈઠી વટાવી ચુકેલા છે.

આ વિશે એસીપી એમએ પટેલે જણાવ્યું કે, મુંબઈમાં રહેતા ચંચલબેન બ્રહ્મભટ્ટને વરસાઈમાં 10 હજાર ચોરસ મીટર જમીન મળી હતી. પરંતુ પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલ સહિત 10 લોકોએ ખોટી સહી અને દસ્તાવેજ કરી હતી. ખેતી સહકારી મંડળી બનાવી દસ્તાવેજ કરાવી લીધાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં મળી છે. આ ફરિયાદ મામલે હાલમાં તપાસ ચાલુ છે. સબ રજિસ્ટ્રારમાં કેવી રીતે કેટલીવાર દસ્તાવેજ થયા છે તે અંગે તપાસ કરીશું. FSL ટીમની જરૂર પડે મદદ પણ લેવાશે. ફરિયાદીએ હાલ ફરિયાદ આપેલી છે, જમીન પર દબાણ થયા હોવા અંગે તેમને પછીથી જાણ થઈ હશે એવું હોય શકે. ફરિયાદ થઈ છે એ પૈકી બે આરોપીઓ હાલ જેલમાં છે. પુરાવા મળશે તો તેમની વિરુદ્ધ ટ્રાન્સફર વોરન્ટ લેવામાં આવશે. રમણ પટેલ અને દશરથ હાલ જેલમાં છે.

(2:18 pm IST)