ગુજરાત
News of Saturday, 18th June 2022

કપડવંજ તાલુકાના મુવાડા ગામની સીમમાં કાકા-ભત્રીજાની જમીન પચાવી પાડનાર શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ

નડિયાદ : કપડવંજ તાલુકાના વાવના મુવાડા ગામની સીમમાં આવેલા સર્વે નં. ૬૯ તથા સર્વે નં. ૭૧ વાળી આશરે દસ વીઘા જમીનમાં જીતપુરા તથા વાવના મુવાડાના પાંચ શખ્સોએ ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી કબજો કરી જમીન પચાવી પાડી હતી. આ સંદર્ભે ખેતર માલિકે જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે દસ્ક્રોઇ તાલુકાના ચાંદિયેલ ખાતે પ્રવિણજી જેસંગજી ઠાકોર (ઉંમર વર્ષ ૪૬) પોતાના પરિવાર સાથે રહે છે. તેઓના પિતા જેસંગજી મંગાજી ઠાકોર સને ૨૦૦૦ ની સાલમાં મરણ પામ્યા છે. અને બા લક્ષ્મીબેન હયાત છે. 

તેઓએ સને ૨૦૧૯ ની સાલમાં વાવના મુવાડા તા. કપડવંજ સીમમાં સર્વે નં. ૬૯ તથા સર્વે નં. ૭૧ વાળી જમીન આશરે દસ વીઘા જમીન છત્રસિંહ જવાનજી હાલ મરનાર (રહે. જીતપુરા તાબે કોસમ, તા. કપડવંજ) તથા લીલાબેન જુવાનજીની દીકરી (રહે, જીતપુરા)ના પાવર ઓફ એટર્ની હોલ્ડર તરીકે છત્રસિંહ જવાનજી ઝાલા, બળવંતસિંહ ઉર્ફે બાબુ ભાઈ જવાનભાઈ ઝાલા (રહે. જીતપુરા)નાઓ પાસેથી તા. ૧ એપ્રિલ ૨૦૧૯ ના રોજ સબ રજીસ્ટાર કપાસની કચેરીના વેચાણ દસ્તાવેજ નં. ૭૦૪ કરી એક વીઘા ના આઠ લાખ લેખે કુલ રૂ. ૮૦ લાખના અવેજીથી પ્રવિણજી તથા ભત્રીજા રણજીતકુમાર નટવર ભાઈ તથા ભરતભાઈ નટવરભાઈ ઠાકોરે (રહે. ચાંદિયેલ) નાઓએ ભેગા થઈ દસ્તાવેજ કરાવેલો હતો. આ જમીનને હાલમાં તેઓ ત્રણના નામે ચાલે છે.

જ્યારે સામાવાળા બળવંત ઉર્ફે બાબુભાઈ જુવાન ઝાલા, પ્રકાશ બળવંતભાઈ ઉર્ફે બાબુ ભાઈ ઝાલા તથા પ્રવીણ છત્રસિંહ ઝાલા (ત્રણેય રહે. જીતપુરા) અને રમતુજી બાબરભાઈ રાઠોડ અને બદામ ભાઈ મણીભાઈ રાઠોડ (રહે. વાવના મુવાડા) તેઓને જમીન ખેડવા દેતા નથી. તેઓએ ગેરકાયદેસર પ્રવેશ કરી જમીનનો કબજો જમાવી જમીન પચાવી પાડેલી છે. આ બનાવ સંદર્ભે આતરસુંબા પોલીસે પાંચ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(5:49 pm IST)