ગુજરાત
News of Wednesday, 18th May 2022

શિવલિંગ મુદ્દે અશ્લીલ ટિપ્પણી બદલ દાનિશ કુરેશીની અટકાયત

જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગનો વિવાદ વકર્યો : વાસણા પોલીસ સ્ટેશનમાં દાનિશ વિરુદ્ધ અરજી બાદ આ મામલે કાર્યવાહી કરીને સાયબર ક્રાઈમ બ્રાંચે અટકાયત કરી

અમદાવાદ, તા.૧૮ : યુપીના કાશીમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદમાંથી શિવલિંગ મળ્યુ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જ્ઞાનવાપી મસ્જિદનો મામલો છેક સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. ત્યારે અમદાવાદમાં એઆઈએમઆઈએમના નેતા દાનિશ કુરેશીએ આ શિવલિંગ મુદ્દે સોશિયલ મીડિયામાં અશ્લીલ અને અભદ્ર ટિપ્પણી કરી હતી. જે બાદ હિન્દુ સમાજની લાગણી દૂભાઈ હતી અને રોષ જોવા મળ્યો હતો. વાસણા પોલીસ સ્ટેશનમાં દાનિશ કુરેશી વિરુદ્ધ આ મામલે અરજી કરવામાં આવી હતી. નેતા દાનિશ કુરેશીની ધરપકડ કરવામાં આવે એવી માંગ ઉઠી હતી. ત્યારે આ મામલે કાર્યવાહી કરીને સાયબર ક્રાઈમ બ્રાંચે એઆઈએમઆઈએમના નેતા દાનિશ કુરેશીની અટકાયત કરી છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગતો એવી છે કે, એઆઈએમઆઈએમના નેતા દાનિશ કુરેશીએ ગઈ કાલે જ્ઞાનવાપી મસ્જિદમાંથી મળેલા શિવલિંગ મુદ્દે અશ્લીલ પોસ્ટ કરી હતી. દાનિશ કુરેશીની આ અશ્લીલ પોસ્ટ બાદ હિન્દુ સમાજની લાગણી દુભાઈ હતી અને ભારે રોષ જોવા મળ્યો હતો. હિન્દુ સમાજ દ્વારા દાનિશ કુરેશી વિરૃદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી. સાથે જ એવી માંગ ઉઠી હતી કે, દાનિશ કુરેશની ધરપકડ કરવામાં આવે. આ મામલે અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતા જયદીપસિંહ વાઘેલાએ દાનિશ કુરેશી વિરુદ્ધ વાસણા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. જયદીપસિંહ વાઘેલાએ ગુનો નોંધી કાર્યવાહી કરવાની માંગ કરી હતી. હિન્દુ સમાજના આ રોષ બાદ સાયબર ક્રાઈમે કાર્યવાહી હાથ ધરીને એઆઈએમઆઈએમના નેતા દાનિશ કુરેશીની આજે અટકાયત કરી હતી. દાનિશ કુરેશની અટકાયત બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહત્વનુ છે કે, જ્ઞાનવાપી મસ્જિદનો મામલો છેક સુપ્રીમ કોર્ટોમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે, આગામી સુનાવણી માટે વારાસણસી ડીસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટને આદેશ આપીએ છીએ કે જે જગ્યાએથી શિવલિંગ મળ્યું છે તે સ્થળની સુરક્ષા કરવામાં આવે. પરંતુ મુસ્લિમ સમાજને નમાઝ પઢવામાં કોઈ સમસ્યા ન આવવી જોઈએ. સાથે જ જ્ઞાનવાપી મસ્જિદના સર્વે પર પ્રતિબંધ લગાવવાનો સુપ્રીમ કોર્ટે ઈનકાર કરી દીધો છે. મંગળવારે સુપ્રીમ કોર્ટમાં જ્ઞાનવાપી કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં દેશની સર્વોચ્ચ અદાલતે જિલ્લા અદાલતને ચુકાદો આપવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસ ટાઇટલ સૂટનો નથી. જો કે, તે પૂજાના અધિકાર સાથે સંકળાયેલું છે. કોર્ટે આ મામલે આગામી સુનાવણીની તારીખ ૧૯ મે નક્કી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે નમાજ પર પ્રતિબંધ ન મૂકવો જોઈએ. સાથે જ તેમણે શિવલિંગ મળી આવ્યું છે તે જગ્યાને સુરક્ષિત રાખવાનું જણાવ્યું છે.

 

(7:57 pm IST)