ગુજરાત
News of Wednesday, 18th May 2022

રાજયપાલ ર૪મીએ જિલ્લા પંચાયતના મહેમાનઃ પ્રાકૃતિક ખેતી વિષે સંમેલન

જિલ્લાના ૧ હજાર ખેડુતોને બોલાવાશેઃ પંચાયત દ્વારા પ્રથમ વખત આયોજન

રાજકોટ, તા., ૧૮: જિલ્લા પંચાયત દ્વારા પ્રાકૃતિક ખેતીના પ્રચાર માટે તા.૨૪મીએ સવારે ૧૦.૦૦ વાગ્‍યે પ્રમુખ સ્‍વામી હોલ, રૈયા રોડ ખાતે ખેડુત સંમેલન યોજાનાર છે. જેના મુખ્‍ય વકતા તરીકે રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત ઉપસ્‍થિત રહેશે. વાવણીની મોસમ નજીક આવી રહી છે તેવા સમયે ખેડુતોને કુદરતી તત્‍વો આધારીત ખેતીની  માહિતી આપવા રાજયપાલની હાજરીમાં પ્રથમ વખત જ કાર્યક્રમ યોજાનાર છે. આયોજન માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્રએ તૈયારી શરૂ કરી દીધી છે.
કાર્યક્રમમાં જિલ્લામાંથી ૧૦૦૦ જેટલા ખેડુતોને બોલાવવામાં આવશે. રાજયપાલ અને અન્‍ય વકતાઓ પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ વર્ણવશે. વધુને વધુ ખેડુતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવા કેન્‍દ્ર અને રાજય સરકારના પ્રયાસો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રાકૃતિક ખેતી એ ખેતીની પ્રાચીન પધ્‍ધતી છે. તે મુખ્‍ય દેશી ગાય આધારીત ખેતી છે. સંપુર્ણ કુદરતી પધ્‍ધતીથી જ ખેતી કરવામાં આવતી હોવાથી  ખેત ઉપજની ગુણવતા સારી હોય છે. પ્રાકૃતિક ખેતીમાં છોડને પિયત થોડી દુરથી આપવામાં આવે છે. જેનાથી પાણીનો ઓછો ઉપયોગ અને મહતમ બચત થાય છે. આ પધ્‍ધતી છોડની વૃધ્‍ધીમં ઉપયોગી છે. કુદરતી પધ્‍ધતીથી ખેતી કરતા ખેડુતોની આવક પ્રમાણમાં વધે છે. આચાર્ય દેવવ્રતજી આ પધ્‍ધતીના પ્રોત્‍સાહક  રહયા છે.

 

(3:43 pm IST)