ગુજરાત
News of Wednesday, 18th May 2022

રહેઠાણ-કોમર્શિયલ વીજગ્રાહકોના બિલમાં એક જ વર્ષે ૧૨ ટકાનો વધારો

પ્રજા મરતી હોય તો ભલે મરો, સરકારી વીજ કંપનીઓનું તરભાણું ભરો : ૨૦૦ યુનિટ વીજ વાપરનારાઓનું મે ૨૦૨૧માં રૂા. ૧૩૨૦નું બિલ આવતુ હતું તે મે ૨૦૨૨માં વધીને રૂા. ૧૪૮૧ ગયું છે

અમદાવાદ, તા.૧૮: ગુજરાત વીજ નિયમન પંચ છેલ્લા છ વરસથી ગુજરાતના વીજ ગ્રાહકોને માથે રાતીપાઈનો પણ વીજદરનો વધારો નાખ્‍યો ન હોવાનો દાવો કરતી રહે છે, પરંતુ ગુજરાતના ૧.૩૦ કરોડ વીજ ગ્રાહકોમાંથી રહેઠાણના અને કોમર્શિયલ વીજદરમાં એક જ વરસમાં ૧૨ ટકાનો જંગી વધારો કરી આપ્‍યો છે. મે ૨૦૨૧ અને મે ૨૦૨૨ના એક મહિનાના ગાળાના ૨૦૦ યુનિટ સુધીની વીજળીનો વપરાશ કરનારા ગ્રાહકો મળેલા વીજ બિલોની સરખામણી કરતાં આ હકીકત સ્‍પષ્ટ થઈ જાય છે.

બિલની સરખામણી કરતાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમ, ગુજરાત વીજ નિયમન પંચ અને ગુજરાત સરકાર ગુજરાતની જનતાને મૂરખ બનાવી રહી હોવાની વાત સ્‍પષ્ટ થઈ જાય છે. આ ત્રણેય દાવો કરે છે કે છેલ્લા છ વરસથી વીજ દરમાં કોઈ જ વધારો કરવામાં આવ્‍યો નથી. ખરેખર વીજદરમાં વધારો કરવામાં જ ન આવ્‍યો હોય તો એક જ વરસના એટલે કે બાર જ મહિનાના સમયગાળામાં વીજદરમાં કેવી રીતે ૧૨ ટકાનો વધારો આવી ગયો છે તે અંગે ગુજરાત સરકારની વીજ કંપનીઓએ ફોડ પાડવો જોઈએ.

હા, વીજ નિયમન પંચે છેલ્લા છ વરસમાં વીજ યુનિટના વપરાશના સ્‍લેબમાં કોઈ જ ફેરફાર કર્યો નથી તેની ના પાડી શકાય તેમ નથી. પરંતુ આડકતરી રીતે ફયુઅલ પ્રાઈસ એન્‍ડ પાવર પરચેઝ એગ્રીમેન્‍ટની ફોર્મ્‍યુલા હેઠળ મે ૨૦૨૧માં યુનિટદીઠ રૂા. ૧.૮૦ આપવામાં આવતા હતા તે વધારીને મે ૨૦૨૨માં યુનિટદીઠ રૂા. ૨.૫૦ કરી દેવામાં આવ્‍યા છે, એમ વીજળીના સેક્‍ટરના નિષ્‍ણાત કે.કે. બજાજનું કહેવું છે. આ યુનિટદીટ દરમાં બાર જ મહિનાના ગાળામાં ૭૦ પૈસાનો વધારો કરી આપ્‍યો છે. એફપીપીપીએની ફોર્મ્‍યુલા હેઠળ બીજા ૪૦ પૈસા સુધીનો વધારો માથે તોળાઈ રહ્યો છે.

મે ૨૦૨૧માં ફિક્‍સ ચાર્જ તરીકે ૨૦૦ અને ૪૦૦ યુનિટના વીજ વપરાશકારો પાસેથી રળા. ૪૫-૪૫લેવામાં આવતા હતા. તેમાં કોઈ જ વધારો કરવામાં આવ્‍યો નથી. તેવી જ રીતે ૪૦૦ યુનિટ વીજળી વાપરનારાઓ પાસે ૨૦૨૧ અને ૨૦૨૨માં લેવામાં આવતા ફિક્‍સ ચાર્જ રૂા.૭૦-૭૦ જ રહ્યા છે. રહેઠાણામાં ૨૦૦ યુનિટના વીજવપરાશકારો પાસેથી વીજ ઉર્જાના વપરાશનો દર અનુક્રમે રૂા. ૭૪૩-૭૪૩ જ લેવામાં આવે છે. તેમ જ ૪૦૦ યુનિટના વીજ વપરાશકારો પાસેથી એનર્જી ચાર્જ તરીકે ૨૦૨૧માં પણ રળા. ૧૬૫૯ અને ૨૦૨૨માં પણ રૂા. ૧૬૫૯ જ લેવામાં આવે છે. ત્રીજું ફયુઅલ પ્રાઈસ એન્‍ડ પાવર પરચેઝ એગ્રીમેન્‍ટ હેઠળ ઇન્‍ડિયન એનર્જી એક્‍સચેન્‍જમાંથી, ખાનગી વીજ ઉત્‍પાદકો પાસેથી, વીજ ઉત્‍પાદન કરતાં પ્‍લાન્‍ટ્‍સને વગર ઉત્‍પાદને કે માત્ર ૩૦થી ૪૦ ટકા ક્ષમતાએ ચલાવીને સરકારી કંપનીઓએ એફપીપીપીએમાં તગડો વધારો મેળવી લીધો છે. ગેસ આધારિત ચાર પાવર પ્‍લાન્‍ટ ગુજરાતમાં ચાલતા નથી, પરંતુ તે પાવર પ્‍લાન્‍ટની જાળવણી, તેના કર્મચારીઓના પગારનો ખર્ચ તથા તે પ્‍લાન્‍ટ નાખવા માટે લેવામાં આવેલી લોનના વ્‍યાજના ખર્ચનો બોજો તો ગુજરાતના ૧.૩૦ કરોડ વીજ વપરાશકારોને માથે પડયા જ કરે છે.

એફપીપીપીએની ફોર્મ્‍યુલા હેઠળ ૨૦૨૧માં ૨૦૦ યુનિટ વીજળી વાપરનારાઓ પાસેથી રૂા. ૩૬૦ લેવામાં આવતા હતા,તે ૨૦૨૨ના મે મહિનામાં વધારીને રૂા. ૫૦૦ કરી દેવામાં આવ્‍યા છે. આ જ રીતે ૪૦૦ યુનિટ વીજળી વાપરનારા ગ્રાહકો પાસેથી ૨૦૨૧માં એફપીપીપીએ હેઠલ રૂા. ૭૨૦ લેવામાં આવ્‍યા છે તે વધારીને રળા. ૧૦૦૦ કરી દેવામાં આવ્‍યા છે. આ વધારો ૩૯ ટકાની આસપાસનો છે.

આ તમામ ચાર્જનો સરવાળો કરવામાં આવે તો ૨૦૦ યુનિટ વીજ વાપરનારાઓનું મે ૨૦૨૧માં રૂા. ૧૩૨૦નું બિલ આવતુ હતું તે મે ૨૦૨૨માં વધીને રૂા. ૧૪૮૧ ગયું છે. આમ તેમાં રૂા. ૧૬૧નો વધારો આવી ગયો છે. તેવી જ રીતે ૪૦૦ યુનિટ વીજળી વાપરનારાઓનું મે ૨૦૨૧માં રૂા. ૨૮૧૬નું વીજબિલ આવતું હતું તે વધીને મે ૨૦૨૨માં રૂા.૩૧૩૮ થઈ ગયું છે. આમ તેના વીજબિલમાં રૂા. ૩૨૨નો વધારો આવી ગયો છે. આમ ટકાવારીની દ્રષ્ટિએ ૨૦૦ યુનિટ વીજળી વાપરનારના વીજ બિલમાં ૧૨.૨ ટકાનો અને ૪૦૦ યુનિટ વીજળી વાપરનારાઓના વીજબિલમાં ૧૧.૪ ટકાનો વધારો આવી ગયો છે.

ગુજરાત સરકારે વાસ્‍તવમાં વીજળીના વપરાશના ચાર્જ પર જ ઇલેક્‍ટ્રિસિટી ડયૂટી લેવાની હોય છે. પરંતુ તેને બદલે તે તમામ ચાર્જનો સરવાળો કરીને તેના પર સીધી ઇલેક્‍ટ્રિસીટી ડયૂટી લગાડે છે. આ પણ ગેરકાયદે જ છે. ફિક્‍સચાર્જ પર ઇલેક્‍ટ્રિસિટી ડયૂટી લાગી શકતી નથી.

(10:37 am IST)