ગુજરાત
News of Thursday, 17th September 2020

રાજ્યના ૬૪ તાલુકાઓમાં મેઘમહેર : સુરતના ઉમરપાડામાં ૨ કલાકમાં ભુક્કા બોલાવતો ૧૧ ઈંચ વરસાદ : ચારેકોર જળબંબાકાર : અનેક કોઝવે પાણીમાં ગરકાવ : વાહનચાલકોને પારાવાર મુશ્કેલી : ઉકાઈ ડેમની સપાટી 342.47 ફૂટ પર પહોંચી

જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા, વાપી : રાજ્યના ૬૪ તાલુકામા આજે સવારથી મેઘરાજા અનરાધાર વરસી રહયો છે. સુરતના ઉમરપાડામાં ૨ કલાકમાં ભુક્કા બોલાવતો ૧૧ ઈંચ વરસાદ વરસી ગ્યો હોવાનું જાણવા મળે છે. અન્ય તાલુકાઓમાં ૪ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સુરતના ઉમરપાડા વિસ્તારમાં બે કલાકમાં 11 ઇંચ વરસાદ પડતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર થઈ ગયો છે અને ચારેય બાજુ જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ભારે વરસાદના લીધે અહીંની વીરા નદીમાં પણ ભારે પૂર આવતા લોકોની હાલત વધારે કફોડી બની છે.

ધોધમાર વરસાદના પગલે ચીતલડા અને ખાંભા બંગલીને જોડતો કોઝવે પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે. કોઝવે પાણીમાં ગરકાવ થવાના લીધે વાહનવ્યવહાર બંધ થયો છે. માંગરોળમાં પણ સવા પાંચ ઇંચ વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યું છે. રસ્તાઓ ક્યાંય દેખાતા જ નથી. તેના લીધે વાહનચાલકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આટલા વરસાદ વચ્ચે પણ સુરત શહેર અને જિલ્લા તથા ઉપરવાસમાં વરસાદે વિરામ લેતા ઉકાઈ ડેમમાં પાણીની આવક નહીવત થઈ છે. હાલમાં આ સપાટી 342.47 ફૂટ પર પહોંચી છે. જ્યારે વિયર કમ કોઝવેની સપાટી 6.24 મીટરે પહોંચી છે.

ફ્લડ કન્ટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર આજે સવારે છ વાગ્યાથી લઈ સાંજ ના ૬ વાગ્યા સુધીમાં નોંધાયેલ વરસાદ ના મુખ્ય આંકડા ને જોઈએ તો..... ઉમરપાડા ૨૭૫ મિમી... માંગરોળ ૧૩૮.. દેડીયાપાડા ૯૯ મિમી.... ચીખલી અને કુકુરમુંડા ૭૪ મિમી.... સગબારા ૬૯ મિમી... હાલોલ ૬૩ મિમી... ઘોઘંબા ૪૮ મિમી... ડોલવણ ૪૭ મિમી... વઘઇ ૩૫ મિમી... અંકલેશ્વર ૩૧ મિમી... માણસા ૩૦ મિમી... અને નિઝર ૨૭ મિમી વરસાદ નોંધાયેલ છે. આ ઉપરાંત રાજ્ય ના ૫૧ તાલુકા મા ૧ થી ૨૪ મિમી સુધી નો હળવો વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગનું કહેવું છે કે વરસાદનો આ અંતિમ રાઉન્ડ છે અને આ અંતિમ રાઉન્ડ 30મી સપ્ટેમ્બર સુધી ચાલી શકે છે. આ વર્ષે રાજ્યમાં ભારે વરસાદ પડ્યો છે અને વરસાદની સરેરાશ 96 ટકા હોય છે, તે આ વખતે સમગ્ર રાજ્યમાં વરસાદ 100 ટકાથી પણ વધારે થયો છે. ફક્ત રાજ્ય જ નહી સમગ્ર દેશમાં પણ વરસાદ 96 ટકાની સરેરાશ કરતાં વધારે પ્રમાણમાં પડ્યો છે અને નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે.

(8:09 pm IST)